હિંદુ ધર્મની પૌરાણિક કથાઓમાં આપણે વાંચ્યું છે કે ભક્તો દ્વારા અઘોર તપ દ્વારા ઈશ્વરને પ્રસન્ન કરવાની એક સાધના હતી. જેમાં ભક્ત ઈશ્વરની આકરી આરાધના કરીને ઈશ્વરને સન્મુખ લાવવા તપ ધરતા હતા. જેમાં ઘણા રાક્ષસોએ પણ ઈશ્વરની આરાધના કરીને મનોવાંછિત ફળ મેળવ્યાના દાખલાઓ છે. ફળ કે શક્તિ મેળવ્યા બાદ દેવતાઓ અને પ્રજાને હેરાન પરેશાન કરી મૂક્યાના દાખલાઓ પણ છે. કથાઓમાં લખાયેલું છે કે આ તપની પહેલી અસર ઇન્દ્રાસન પર થતી. જે ડોલવા લાગતું. ઇન્દ્રને એક માત્રને એમ થતું કે આ તપથી પોતાની ખુરશી ભયમાં છે. ત્યારબાદ જે ઈશ્વરની આરાધના થતી એ ઈશ્વર ભક્તને દર્શન આપતા અને પહેલું વચન બોલતા… “માંગ, માંગ…. માંગે તે આપું….” ભક્ત પોતાનું વરદાન માંગતો અને ઈશ્વર ‘તથાસ્તુ’ કહીને વાત પૂરી કરતા. ભારતીય રાજનીતિમાં આજે કઈક આવી રીતે માંગણીઓ થઇ રહી છે. અલબત આ માંગણીઓની પાછળ સાધના કે આકરા તપના તત્વનો અભાવ છે. આમાં ભક્તો પોતાના એસી રૂમમાં બેસીને માંગણીઓ મૂકી રહ્યા છે કે ફલાણો નેતા રાજીનામું આપી દે…. ફલાણો કાયદો નાબૂદ કરી દેવામાં આવે, ફલાણી ઝુંબેશ કે પ્રવૃત્તિ કે નીતિરીતી પાછી ખેંચીને બંધ કરી દેવામાં આવે. અમે જે રીતની ઈચ્છીએ છીએ એવી સ્થિતિનું નિર્માણ કરી દેવામાં આવે. એ બદલ અમે કોઈ જનાધાર મેળવી લેવાના કે પ્રજા વચ્ચે જઈને સમર્થન મેળવી લેવાના મતમાં નથી. બસ, સરકાર અમે જેમ કહીએ છીએ તેમ કરી દે. સામાંછેડેથી તથાસ્તુ નથી આવી રહ્યું.
થોડા સમય પહેલા કોન્ક્રોચો દ્વારા દિલ્હીના જંતરમંતર પર હિંસક અને અરાજક દેખાવો કરીને સરકારને બાનમાં લઈને એક પ્રધાનનું રાજીનામું અપાવવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. એ દેખાવો દરમિયાન ભેગા થયેલા દેખાવકારોએ જે વાણી વર્તન દ્વારા પોતાની વૃત્તિઓ બહાર કાઢી હતી એ આખા દેશે હતપ્રભ થઈને જોઈ હતી. યુવાઓના નામે એક રાજકીય પક્ષનો બીભત્સ ચહેરો દેખાઈ આવ્યો હતો. આ રાજીનામું પડવાથી ભેડિયાના મોઢામાં ખૂન લાગી ગયું હતું. ત્યારબાદ આ કોન્ક્રોચોએ રાજસ્થાનમાં શાળાઓની મુલાકાત લઈને શિક્ષણ વ્યવસ્થા સામે મોરચો ખોલવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં સ્થાનિકોએ કોન્ક્રોચોને માર મારીને ભૂંડે હાલ ખદેડી મુક્યા હતા. ત્યારબાદ આ કોન્ક્રોચોએ જ્યાં ચૂંટણી છે એવા રાજ્યોની રાજકીય પાર્ટી સાથે બેઠક કરી હતી. રાજકીય જમીન ફંફોસવાના કોન્ક્રોચોના લગભગ બધા પ્રયત્નો નિષ્ફળ ગયા છે. એવામાં કોન્ક્રોચોનો મૂળ માતૃપક્ષ એ લોકોની વહારે આવ્યો છે. એ પક્ષે કોન્ક્રોચોને આહ્વાન કર્યું છે કે તમે હવે ગૃહમંત્રી અને વડાપ્રધાનના રાજીનામાની માંગણી સાથે સડક પર ઉતરો. ભારતીય રાજનીતિમાં આક્ષેપ આધારિત માંગણીઓનું સ્તર વાહિયાત કક્ષાએ જઈને બેઠું છે. છેલ્લામાં છેલ્લી કક્ષાનો માણસ કોઈપણ ઉચ્ચ કક્ષાના માણસ પર તર્કહીન, બુદ્ધિહીન આરોપ લગાવી શકે છે. તાજેતરમાં આપણે આનું ઉદાહરણ જોયું કે જે વ્યક્તિએ પોતાની જિંદગીના છ દશકા દેશની સેવામાં સમર્પિત કરી દીધા હોય જે ભારતના રીયલ જેમ્સ બોન્ડ છે, એ એનએસએ પર અમુક રાજકારણીઓ દ્વારા માત્ર પોતાની રાજનીતિ જીવતી રાખવા બયાનબાઝી કરવામાં આવી હતી. જે વ્યક્તિને આપના પિતાશ્રી દ્વારા કીર્તિચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તમે જેના નામ પણ નથી સાંભળ્યા એવા સુરક્ષા ઓપરેશનો એમણે ભારત વતી પાર પાડ્યા છે. તમે જાહેર મંચ પરથી તેના પર કોઈ આધાર પુરાવાઓ વિના મનઘડંત આક્ષેપ લગાવો છે, માત્ર તમારું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા જે આવી હરકતો બાદ પણ તૂટી જવાની કગાર પર છે. આ તો સરકારનું બાયલાપણું છે જે તમારી સામે સાબિતીઓ રાખવાના દબાણની રાજનીતિ કરતા ડરે છે. કોન્ક્રોચો વારેવારે સરકારને અને સિસ્ટમને અલ્ટીમેટમ આપે છે. ફલાણી તારીખ સુધી ફલાણો રાજીનામું આપે, ઢીંકણી તારીખ સુધીમાં ઢીંકણો પદ પરથી ઉતરી જાય, એ આમ કરી શકે છે, કારણકે એણે એક વખત સરકારના નમાલાપાણાનો સ્વાદ ચાખી લીધો છે, નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા દિલ્હી દેખાવો વખતે આચરવામાં આવેલી હિંસા અને વિદ્યાર્થીના વેશમાં છુપાયેલા હિંસક કોન્ક્રોચો સામે કાર્યવાહી ન કરવાનું અભયવચન આપેલ છે. આ લોકોને એમ છે કે આવી બધી અરાજક પ્રવૃતિઓ બાદ પણ અમને કશું નહિ થાય, કારણકે ડરપોક સરકાર અને મદદગાર સુપ્રીમ કોર્ટનો ડબલ બોનાન્ઝા સુરક્ષાઘેરો અમને મળી રહ્યો છે.
પણ, હિંદુ પૌરાણિક કથાઓની જેમ વરદાન મેળવવા માટે કઠોર તપશ્ચર્યા જરૂરી છે. પ્રજાએ નકારી દીધા હશે તો પ્રજા જ પુનઃસ્થાપિત કરશે. જે પ્રજાએ મમતા બેનર્જીને પંદર વર્ષ ચૂંટ્યા હતા, જે પ્રજાએ છ દાયકા કોંગ્રેસને ચૂંટી હતી, જે પ્રજાએ હાલના બધા વિપક્ષોને ખોબા ભરીને વોટ આપ્યા હતા ત્યાં સુધી બધું સમુસુતરું હતું, જેવો વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો, જેવી ઉપરાછાપરી હાર થવા લાગી, સત્તાનો વનવાસ લંબાવા લાગ્યો, એટલે બધું બગડી ગયું. ચૂંટણી આયોગ સરકાર માટે કામ કરતો થઇ ગયો, લોકતંત્ર ખતરામાં આવી ગયું, સંવૈધાનિક સંસ્થાઓ સરકાર માટે કામ કરવા લાગી… વગેરે વગેરે. આંદોલન કરીને સરકારની ભૂલો ઉજાગર કરવો વિપક્ષનો ધર્મ છે, પણ ભ્રમ ફેલાવીને પ્રજાને ગેરમાર્ગે દોરવાથી સત્તાનશીન નથી થઇ શકાતું.
લોકશાહીમાં છેવટે બધા આંદોલનો, બધા આક્ષેપ પ્રતિઆક્ષેપનું વાજબીપણું પ્રજાની અદાલતમાં થાય છે. પ્રજા તમને ત્રણ ચૂંટણીઓથી હરાવી રહી છે. બેશક પ્રજાને પણ તમારી સાપેક્ષે અન્ય કોઈને પસંદ કરવાનો અધિકાર છે. તમે એનટાઈટલમેન્ટ નથી ધરાવતા. જેમ પ્રજાએ વર્તમાનની સરકારને પસંદ કરી છે, તેમ તમને પણ પસંદ કરી શકે છે. પણ એ માટેનો રસ્તો આટલો ટૂંકો નથી. દેશની એકસો ચાલીસ કરોડ જનતાને સમજૂત કરવી કે તરફેણમાં કરવી એ છૂટપુટ મુદ્દાઓનું કામ નથી. પ્રજાને પહેલાતો તમારી કથની કરણી પર ભરોસો પડવો જોઈએ. જે તમે કરી રહ્યા છો એ સ્વીકૃત થવું જોઈએ. ભારતની આજની રાજનીતિનું બ્રહ્મજ્ઞાન છે, જો કોઈને લેવું હોય તો લઇ શકે છે કે દેશમાંથી હવે પરિવારવાદની રાજનીતિ સમાપ્ત થઇ રહી છે. પ્રાદેશિક સ્તરે પરિવાદવાદથી ચાલતા પક્ષો સમાપ્ત થઇ રહ્યા છે, રાષ્ટ્રીય સ્તરે થવામાં થોડો સમય લાગશે… એટલું જ. ક્વિક નોટ – શેષનને એક રાજકારણીએ પાગલ કુત્તા સાથે સરખાવ્યા… શેષને જવાબ આપ્યો… “એક જ જાતવાળા બીજાને તરત ઓળખી લે છે…” production@infiniumpharmachem.co









































