ધારી તાલુકાના પ્રેમપરા ગામની સીમ વિસ્તારમાં ધોળા દિવસે ત્રણ સિંહો આવી ચડયા હતા. સિંહોના ટોળાએ બે બળદોનો શિકાર કરી ફાડી ખાધા હોવાની ઘટના સામે આવતા આસપાસના ગ્રામજનોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ, પ્રેમપરા ગામની સીમમાં ત્રણ સિંહો અચાનક આવી ચડ્‌યા હતા અને બળદો પર હુમલો કરી તેમનો શિકાર કર્યો હતો. સિંહોએ બળદોને ફાડી ખાધા બાદ લાંબા સમય સુધી આસપાસમાં જ ધામા નાખ્યા હતા. પ્રેમપરા વિસ્તારમાં અવારનવાર સિંહોની અવરજવર જોવા મળતી હોવાના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ધોળા દિવસે સિંહોએ બળદોનો શિકાર કરતા ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતા ફેલાઈ છે. વન વિભાગ દ્વારા સિંહોને દૂર ખસેડવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે.