મામલતદાર નિવૃત અને પ્રાંત અધિકારીની બદલી થયા બાદ કોઈ આવવા તૈયાર નથી?

બગસરા મામલતદાર કચેરી અને પ્રાંત કચેરીમાં મહત્વના અધિકારીઓની જગ્યા ખાલી હોવાથી અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. છેલ્લા એક મહિનાથી મામલતદાર ઈન્ચાર્જ તરીકે ચાલે છે તો પ્રાંત અધિકારીને પણ ઈન્ચાર્જનો હવાલો સોંપવામાં આવ્યો છે. બગસરામાં છેલ્લા એક મહિનાથી મામલતદાર પ્રશાંત ભીંડી નિવૃત થયા બાદ ધારીના મામલતદારને બગસરાના મામલતદાર તરીકે વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. જેથી મામલતદાર ધારી-બગસરા વચ્ચે અપડાઉન કરી રહ્યાં છે જેના કારણે અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડે છે. કાયમી મામલતદાર આવે તે પહેલા પ્રાંત અધિકારીની બદલી કરવામાં આવતા આ જગ્યા પણ ખાલી પડી છે. અમરેલીના જિલ્લા પુરવઠા અધિકારીને બગસરાના પ્રાંત અધિકારીનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. મહત્વના બે અધિકારીની જગ્યા ખાલી હોવા છતાં રાજય સરકાર દ્વારા કોઈને કાયમી નિમણૂંક આપવામા આવતી નથી જેથી અરજદારોને કામો ટલ્લે ચડે છે. બગસરા તાલુકાના કહેવાતા આગેવાનો પણ આ બાબતે કોઈ રજૂઆત ન કરતા હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. બગસરાને કાયમી મામલતદાર અને પ્રાંત અધિકારી મળે તેવી અરજદારો માંગ કરી રહ્યા છે.

બંને મહત્વની જગ્યા ભરવા માટે આગેવાનો રસ લે તેવી અરજદારોની માંગ