દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં ૨૫ વર્ષની સેવા અને સમર્પણના ઉપલક્ષમાં સમગ્ર ગુજરાતમાં આગામી તા. ૧૭ ઓક્ટોબર સુધી ‘સેવા સંકલ્પ અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે અમરેલી શહેર ખાતે કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ કેન્દ્ર સરકારની વિવિધ ફ્લેગશીપ યોજનાઓના લાભાર્થીઓ સાથે પ્રત્યક્ષ મુલાકાત કરી સંવાદ સાધ્યો હતો.આ મુલાકાત દરમિયાન વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે સરકારી લોન મેળવનારા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો, પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી હેઠળ પાકું મકાન મેળવનારા પરિવારો તેમજ પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે રાજ્યમંત્રીશ્રીએ ચર્ચા કરી હતી. લાભાર્થીઓએ સરકારી સહાય સમયસર અને પારદર્શક રીતે મળતા ખુશી વ્યક્ત કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો હતો.પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબ, વંચિત અને ઘરવિહોણા પરિવારોને પાકું અને સુવિધાયુક્ત મકાન બનાવવા માટે સહાય મળી રહી છે. જેના કારણે અનેક પરિવારોના પોતાના પાકા ઘરના વર્ષો જૂના સપના સાકાર થયા છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ રહેણાંક મકાનો પર રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવા માટે આર્થિક સબસિડી આપવામાં આવી રહી છે. યોજનાથી વીજળી ખર્ચમાં રાહત સાથે હરિત ઊર્જાને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે.રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ અમરેલીની હરિઓમ ડેરી અને પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર હેઠળ સરકારી લોન સહાય મેળવનાર ડેરીના માલિક હરેશભાઈ બાંભરોલીયા અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી સંવાદ કર્યો હતો.હરેશભાઈએ જણાવ્યું હતું કે, નાનકડી દુકાનથી શરૂ કરેલી ડેરીને સરકારની રૂ. ૧.૫ કરોડની લોન સુવિધા મળતા અંદાજિત રૂ. ૩૭ લાખ જેટલી સબસિડીનો લાભ મળ્યો છે.કેન્દ્ર સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓથી શિક્ષણ, આવાસ, ઊર્જા અને રોજગાર ક્ષેત્રે નાગરિકોને સહાય મળી રહી છે. લાભાર્થીઓ સાથેના સંવાદ દરમિયાન યોજનાઓના અમલીકરણ અને તેના પરિણામે આવેલા હકારાત્મક પરિવર્તનની વિગતો સામે આવી હતી.
































