ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી ૨૭ સપ્ટેમ્બરથી શરૂ થશે, જેમાં બધાની નજર ટીમ ઈન્ડિયાના પ્રદર્શન તેમજ વિરાટ કોહલીના પ્રદર્શન પર રહેશે. વિશ્વ ક્રિકેટમાં મર્યાદિત ઓવરના ફોર્મેટમાં મહાન બેટ્સમેનોમાંના એક ગણાતા કોહલી માટે, આ શ્રેણી આગામી વર્ષના વનડે વર્લ્ડ કપ માટેની તૈયારીઓમાં મહત્વપૂર્ણ રહેશે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની વનડે શ્રેણીની પહેલી મેચ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે, જ્યાં વિરાટ કોહલીનો વનડે રેકોર્ડ મજબૂત છે, તે ક્યારેય આઉટ થયો નથી.
તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં વિરાટ કોહલીનાડ્ઢૈં રેકોર્ડની વાત કરીએ તો, તેણે અત્યાર સુધી ત્યાં બે મેચ રમી છે. આમાંથી પહેલી મેચ ૨૦૧૮માં વેસ્ટ ઈન્ડિઝ સામે હતી, જ્યાં કોહલીએ અણનમ ૩૩ રન બનાવ્યા હતા. ત્યારબાદ કોહલીએ ૨૦૨૩માં શ્રીલંકા સામે આ સ્ટેડિયમમાં પોતાની છેલ્લી વનડે રમી હતી, જ્યાં તેણે એક શાનદાર સદી ફટકારી હતી. શ્રીલંકા સામેની વનડેમાં, વિરાટ કોહલીએ ૧૧૦ બોલમાં અણનમ ૧૬૬ રન બનાવ્યા હતા, જેમાં ૧૩ ચોગ્ગા અને ૮ છગ્ગા ફટકાર્યા હતા. આ રીતે, કોહલીએ આ સ્ટેડિયમમાં રમાયેલી બે વનડેમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના કુલ ૧૯૯ રન બનાવ્યા છે.
કોહલીનો વેસ્ટ ઈન્ડિઝ સામે પણ મજબૂત રેકોર્ડ છે. અન્ય ટીમોની જેમ, વિરાટ કોહલીનો વનડેમાં વેસ્ટ ઈન્ડિઝ સામે મજબૂત રેકોર્ડ છે. કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામે ૪૩ વનડે રમી છે, જેમાં ૪૧ ઇનિંગ્સમાં ૬૬.૫ ની સરેરાશથી ૨૨૬૧ રન બનાવ્યા છે, જેમાં નવ સદી અને ૧૧ અડધી સદીનો સમાવેશ થાય છે. કોહલીએ ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ સામે ૨૩ વનડે પણ રમી છે, જેમાં ૬૩.૨૫ ની સરેરાશથી ૧૨૬૫ રન બનાવ્યા છે.











































