જાફરાબાદ તાલુકાના ભટવદર ગામની સીમમાં આવેલી વિંના એનર્જી કંપનીની પવનચક્કીની વીજ લાઈનમાં ફરી એકવાર રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત થયાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ વીજ લાઈનમાં મોર આવી જતાં કરંટ લાગવાથી તેનું મોત થયું હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃત મોરને પોસ્ટમોર્ટમ માટે બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. નોંધનીય છે કે માત્ર ૧૩ દિવસમાં આ જ વિસ્તારમાં બીજા મોરનું મોત થતાં પર્યાવરણપ્રેમીઓ અને ગ્રામજનોમાં દુઃખ સાથે રોષ જોવા મળ્યો છે. પવનચક્કીની વીજ લાઈનોમાં સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે.