બકો આવ્યો એટલે બેરાલાલ બોલ્યાં વગર ના રહ્યાં.
‘‘બકા, અટાંણ લગણ તું ક્યાં ગુડાણો તો!? તારી હાજરી કેટલી કિંમતી છે, ઈ તને નથી ખબર..!?
અટલ બિહારી વાજપેયીની સરકાર એક મતથી હારી ગઈ હતી, ઈ તને હાંભરે છે??’’
બકાએ હાંભળેલુ ખરું. પણ, સવાલ વિચિત્ર લાગ્યો.
‘‘હું ક્યાં નેતા છું , કે મારે ક્યાં ચૂંટણી લડવી છે, તે મારાં મતની એને જરૂર પડે. અને આમ ગણો તો, ગુજરાતની સરકારને કોઈનાં મતની હાલ જરૂર જ નથી. એવડાં મોટાં ભાગનાં મત આપણે પે ‘લેથી જ આપી દીધાં છે. હવે પાંચ વરહ તમે તમારે રસ્તે અને સરકાર એનાં રસ્તે.
છતાંય તમે મને યાદ કર્યો એટલે તમારો આભાર..!’’
‘‘માત્ર આભારથી કામ હાલે એમ નથી. ઓણ વરસાદની ઘટ પડી છે. ખેડૂતને ખાવાંનાય ફાંફા પડવાની અણી ઉપર છે. આપણે એનો વિચાર કરવાનો હોય. અને તું ગેરહાજર રહે ઈ કેમ હાલે..!?’’
બેરાલાલે ખેડૂતોની ચિંતા જણાવી.
‘‘તમારી વાત હાચી છે, બેરાલાલ! આવી ચંત્યા મને ને તમને થાય. પણ, સરકારને તો દીવડાં ‘ય હળગાવવાના હોય ને.‌!!’’
‘‘એમાં મને જાજો પપ્પો નો પડ્‌યો બકા ! પણ, તું આવતો કેમ નહોંતો? ઈ જણાવ.’’
‘‘તમારે આંયાં હારા હારા કામ કરવાનાં હોય..! જેવો હું ઘરની બહાર પગ મૂકું કે, બિલાડી આડી ઉતરે. વારે વારે આડી ઉતરે. તમને તો ખબર છે કે, બિલાડી આડી ઉતરે એટલે શું થાય!??’’
અભણ અમથાલાલે હાજરી પુરાવી.
‘‘ના ના ના. એવું કાંઈ નો હોય..!! બિલાડી આડી ઉતરે તો અપ શુકન થાય, એવું આપણે માનીએ છીએ. પણ, બિલાડી આડે આપણે ઉતરીએ છીએ એ દિવસે એને ભુખ્યાં રહેવું પડે તો, ત્યારે બિલાડીને અપશુકન નહીં થાતાં હોય!? આવું પણ, કો ‘ક દિવસ વિચારો..!!’’
હવે બેરાલાલથી બોલ્યાં વગર નાં રહેવાયું.
‘‘નાં…આ…! હાવ એવું ‘ય નથી. બકાની વાતમાં દમ તો છે. આ આપણું ગુજરાત જ જોઈ લો. ત્રીહ ત્રીહ વરહથી કોંગ્રેસ આડે બિલાડી ઉતરે છે. અને બાર તેર વરહથી તો દિલ્હીમાં ‘ય એવાં જ હાલ છે. જ્યોતિષના મતે આનું હાસું કારણ આ જ છે. પણ, બિલાડીની ડોકે ઘંટ બાંધે કોણ..!??’’
‘‘જો એમ જ હોય, તો તો ‘આપ’ ને ‘ય બિલાડી નડે કે નહીં? ’’
‘‘હવે..! ઈ ક્યાં કોઈને માને છે? કે કોઈનું માને છે? અને ચોર કોઈ દિવસ પોતાનાં ઘરમાં ચોરી કરે!? એનાં માટે તો સબ ભૂમિ ગોપાલ કી. છતાંય દિલ્હીમાં તો એનું ‘ય દૂધ મીંદડી બોટી જ ગઈને.‌!!??’’
‘‘તો..ઓ..! તમારું કે ‘વાનું એમ છે કે, હવે ઈ લોકો મીંદડીની સેવા પૂજા ચાલું કરે એમ.‌!!??’’
‘‘નાં…આ…! ઈ તો ઈ કરે જ છે. એનું તો આ પરિણામ છે.’’
‘‘તો પછી, બિલાડી ખરાબ છે એમ? બિલાડી નકામી છે એમ!?? ’’
‘‘હવે ઈ તો વિદેશી બિલાડીને ખબર!! ’’
‘‘ના..આ.. બિલાડીને નઈ…!! ’’વારિશિરી મેથાચિટ્ટીફન‘‘ને ખબર.’’
અમથાલાલે ફોડ પાડ્‌યો.
બેરાલાલને શંકા પડી.
‘‘શું..ઉં..ઉં..! એ લોકો મીંદડીનું ચિકન ખાય છે?’’
‘‘બેરાલાલ! પે ‘લાં પુરું હાંભળો, ચિકન નહીં, બિલાડીનાં માલિક ‘વારિશિરી મેથાચિટ્ટીફન’’
‘‘લો..કર..લો..બાત! મીંદડીના ‘ય માલિક હોય? અને એ મીંદડીને બકા ભરવાં સિવાય કરવાનું હું??’’
‘‘તમે ભૂલો છો,બેરાલાલ! આ મીંદડી મતલબ ‘નાલા- કેટ’બિલાડી ૮૩૯ કરોડની સંપત્તિ ધરાવે છે.’’
‘‘માપે રાખો, માપે રાખો, અમથાલાલ. તમેય તે સરકારની માફક ફેંકવાનું ઓછું રાખો.’’
‘‘હાચું નથી લાગતું? તો..ઓ..આ લો એનાં દસ્તાવેજી પુરાવાઓ.’’
‘૨૦૧૦ માં એ કોલિફોર્નિયાના શેલ્ટર હોમમાં પાંચ મહિનાની હતી. એની મોટી મોટી આંખો, નટખટ અંદાજ, જોતાં વેંત જ આફડ્‌યું આફડ્‌યું બકા ભરવાનું મન થાય એવી આ બિલાડીને આ ભાઈ ઘરે લઈ આવ્યાં.અને નામ પાડ્‌યું ‘‘નાલા -કેટ’’ આ નાલા દિવસભર ઊંઘ કરે. રાત પડે અને એમનાં નખરાઓ શરું થાય. એમનાં અલગ અલગ ફોટોઝ બને,જાત જાતનાં વિડિયો બને અને સોશિયલ મીડિયામાં વાયરલ થાય.
થોડાં ‘ક જ દિવસમાં એમનાં નામનું જ આઈ ડી પેઝ બની ગયું. જોત -જોતામાં ઈન્સ્ટાગ્રામ ઉપર એમનાં ૪૨ લાખ ફોલોઅર્સ થઈ ગયાં. (નવરાં માણસો કરે ‘ય શું?)
આમ ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ ને પણ વાંકું વળવું પડ્‌યું. સમગ્ર વિશ્વમાં આ એક માત્ર બિલાડી છે,નાલા જેનું નામ આ બુકમાં નોંધાઈ ગયું છે.’
‘‘અરે હશે..!! પણ, એમાં કરોડો રૂપિયા કેવી રીતે આવ્યાં? ક્યાંથી કમાણાં ??’’
‘‘આ નાલા નામની બિલાડી તરહ તરહની વસ્તુઓની એડવટાઈઝ કરવાં માંડી, રહેતાં રહેતાં એમનાં ‘નાલા લવ ’નામનાં સ્ટોર્સ ખુલવા લાગ્યાં. આમ આવક વધતી ગઈ..વધતી ગઈ. એક માણસ ન કરી શકે ઈ કામ આ બિલાડીએ કરી દેખાડ્‌યું છે. આજે એ એક ગ્લોબલ બ્રાન્ડ બની ચુકી છે.
હવે તમે જ કહો આવી બિલાડી આપણી આડી ઉતરે તો અપશુકન થાય!??’’