વડિયા/કુંકાવાવ તાલુકાના બરવાળા બાવીશી ગામના ગ્રામજનોએ અમરેલી કલેક્ટર અને SPને આવેદનપત્ર આપી ગામના આગેવાનો સામેના કાવતરા અને બદનામી અંગે તટસ્થ તપાસની માંગ કરી છે. રજૂઆત મુજબ, ગામના નરેશભાઈ ચાવડા, ઈલાબેન ચાવડા અને જયસુખભાઈ ચાવડાએ પૂર્વયોજિત ષડયંત્ર રચી દાદુભાઈ ડેર તથા ભરતભાઈ ડેરને ફસાવવા ખોટી એટ્રોસિટી ફરિયાદ ઊભી કરવાનો પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત મીડિયા અને સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવી તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો તેમજ નરેશ વાળા નામના શખ્સે લોકોને ઉશ્કેરી સામાજિક વિખવાદ ઊભો કરવાનો આક્ષેપ કરાયો છે. સાથે જ પરિવારજનોએ દુકાને જઈ ત્રણ વખત ધમકી આપી હોવાનો પણ ઉલ્લેખ છે. ગામમાં શાંતિ જળવાઈ રહે, કાયદાનો દુરુપયોગ અટકે અને નિર્દોષો હેરાન ન થાય તે માટે એકતરફી કાર્યવાહી વિના નિષ્પક્ષ તપાસ કરી કસૂરવારો સામે કડક કાનૂની પગલાં ભરવા ગ્રામજનોએ માંગણી કરી છે.