લાઠી તાલુકાના દુઘાળા બાઈ ગામે વિકાસના વધુ એક મહત્વપૂર્ણ કાર્યનો પ્રારંભ થયો હતો. ધારાસભ્ય જનક તળાવીયાના હસ્તે કેરયા નાગસ–દુઘાળા બાઈ–જાત્રુડા રોડ પર રૂ.૧૦.૯૯ કરોડના ખર્ચે નિર્માણ પામનારા હાઇલેવલ બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. બ્રિજના નિર્માણથી દુઘાળા બાઈ સહિત આસપાસના ગામોના ગ્રામજનો, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને વાહનચાલકોની અવરજવર વધુ સુગમ બનશે. ખાસ કરીને ચોમાસા દરમિયાન પાણી ભરાવા અથવા માર્ગ પર અવરોધ સર્જાતી પરિસ્થિતિમાં લોકોને રાહત મળશે. બ્રિજ પૂર્ણ થયા બાદ ગ્રામ્ય વિસ્તારો વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બનશે અને વર્ષભર સલામત પરિવહનની સુવિધા ઉપલબ્ધ થશે. આ પ્રસંગે ગામના આગેવાનો, સરપંચ, તાલુકા પંચાયતના સદસ્યો, ભાજપ કાર્યકરો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.









































