અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના રામપુર ગામે મજૂરીકામ અર્થે આવેલા પરિવારની ગર્ભવતી મહિલાને અસહ્ય પીડા ઉપડતા પરિવારજનોએ ૧૦૮ ઇમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો. ૪ સપ્ટેમ્બર ૨૦૨૬ના વહેલી સવારે કેસ મળતા જ વડિયા ૧૦૮ ના પાયલોટ દેવદત્તભાઈ પરમાર અને ઈએમટી હર્ષદભાઈ સરવૈયા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા.મહિલા ખેતરમાં હોવાથી અને તેની સ્થિતિ અત્યંત ગંભીર તથા હાઈ રિસ્ક ધરાવતી હોવાથી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવી શક્ય ન હતી. છઠ્ઠી પ્રસૂતિ હોવાના કારણે સ્થળ પર જ પ્રસુતિ કરાવવી અનિવાર્ય હતી. જેથી ઈએમટી હર્ષદભાઈએ ઉપરી અધિકારી ડા. મયુર સાથે સંપર્ક કરી તેમની સલાહ મુજબ ખેતરમાં જ પ્રક્રિયા શરૂ કરી હતી.
પ્રસૂતિ સમયે બાળક ગળામાં નાળ વીંટળાયેલી સ્થિતિમાં હતું, પરંતુ ઈએમટીએ સુઝબુઝ દાખવી નાળ દૂર કરી સફળતાપૂર્વક બાળકનો જન્મ કરાવ્યો હતો. તબીબી સારવાર બાદ માતા અને બાળક બંને સુરક્ષિત હોવાથી પરિવારે ૧૦૮ ની ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.









































