અમરેલી જિલ્લામાં અકસ્માતના કેસમાં જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્વારા વીમા કંપનીને અરજદાર રણજીતભાઈને રૂ. ૧૨.૨૧ લાખ ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે. મળતી વિગતો મુજબ, રણજીતભાઈ પોતાની ટાટા કંપનીની ટ્રકમાં માલ ભરવા અમરેલીથી ચલાલા જઈ રહ્યા હતા. દરમિયાન શેત્રુંજી નદીના પુલ પર સામેથી આવતા વાહનને બચાવવાના પ્રયાસમાં ટ્રક પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રકને ટોટલ લોસ થયો હતો અને ડ્રાઇવરને ગંભીર ઇજાઓ થતાં સારવાર લેવી પડી હતી. ઘટનાની જાણ વીમા કંપનીને કરવામાં આવતા સર્વેયરની નિમણૂક કરાઈ હતી. અરજદારે જરૂરી તમામ દસ્તાવેજો રજૂ કરી ક્લેઇમની કાર્યવાહી પૂર્ણ કરી હતી. અગાઉ રૂ. ૮ લાખ તથા ૯ ટકા વ્યાજ ચૂકવવાનો હુકમ થયો હતો. આ હુકમ સામે વીમા કંપનીએ રાજ્ય ફોરમમાં અપીલ કરી હતી. ત્યારબાદ પુરાવાઓની તપાસ બાદ જિલ્લા કમિશને અરજદારની તરફેણમાં રૂ. ૧૨.૨૧ લાખ ચૂકવવાનો હુકમ કર્યો છે. અરજદાર તરફે વકીલ જે.આર. વાળા, જ્યોતીન્દ્ર ગોરખીયા અને જે.પી. ત્રિવેદીએ કામગીરી કરી હતી.