બાબરાના પાનસડા ગામની પરિણીતા પર જસદણના જસાપર ગામે અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. જેનાથી તંગ આવીને તે પિયર આવી ગઈ હતી, જ્યાં પતિએ ગામના પાદરમાં તેને ફટકારી હતી. આ અંગે રૂષિતાબેન જયંતીભાઈ પરમારએ પતિ જયંતીભાઈ કાનજીભાઈ પરમાર, જયાબેન કાનજીભાઈ પરમાર તથા કાનજીભાઈ રામજીભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના છેલ્લા સાડા છ વર્ષના લગ્નગાળા દરમિયાન પતિ તેમના ચારિત્ર્ય ઉપર ખોટી શંકાઓ કરતો હતો. સાસુ કામકાજ બાબતે અવારનવાર મેણાટોણા મારી દુઃખ-ત્રાસ આપતા હતા અને સસરા પણ ગાળો આપતા હતા. ત્રણેય આરોપીઓ તેમને શારીરિક-માનસિક દુઃખ-ત્રાસ આપતા હોવાથી તેઓ પોતાના પિયરમાં રહેતા હતા. આ દરમિયાન પતિ તથા સાસુએ પિયરમાં આવીને પાનસડા ગામે પાદરમાં તેમને શરીરે આડેધડ ઢીકાપાટુ વડે માર માર્યો હતો તેમજ ઘરે આવીને પણ ઢીકાપાટુ માર્યા હતા. આ સમયે તેમનાં માતા વચ્ચે પડતાં તેમને પણ ઢીકાપાટુ વડે માર માર્યો હતો. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે. સી. સોલંકી વધુ તપાસ ચલાવી રહ્યા છે.









































