ચલાલા ખાતે ભીમનાથ મંદિરના પવિત્ર પરિસરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના વડા ડો. પ્રવીણભાઈ તોગડિયાની અધ્યક્ષતામાં ધર્મસભા યોજાઈ હતી. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. ધર્મસભામાં હિન્દુ સમાજની એકતા, સંગઠન અને સેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાદાન, અન્નદાન, પ્રાણદાન, વાણીદાન તથા કન્યાદાન જેવા સેવાકાર્યોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. હિન્દુ સમાજની મદદ માટે હિન્દુ હેલ્પલાઇન અંગે પણ માહિતી આપવામાં આવી હતી. ડો. તોગડિયાએ નવરાત્રી દરમિયાન દરેક ઘરમાં શસ્ત્રપૂજન કરવા તેમજ દરેક ગામમાં હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ કરવા અપીલ કરી હતી. જરૂરિયાતના સમયે સંગઠનની શક્તિથી સમાજને મદદરૂપ થવા કાર્યકરોને આહ્વાન કરાયું હતું. આ પ્રસંગે ડો. તોગડિયાનું ફૂલહાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.







































