સાવરકુંડલા સ્થિત પૈતૃક મકાનમાં હિસ્સો આપવાનો ફોઈના દીકરાઓએ સ્પષ્ટ ઇનકાર કરી દેતાં લીલીયા ખાતે રહેતા યુવકે ઝેરી ગોળીઓ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ચકચારી ઘટના સામે આવી હતી.ગંભીર હાલતમાં યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.મળતી વિગતો અનુસાર, લીલીયા ખાતે રહેતા ભોગ બનનાર યુવકનું એક જૂનું મકાન સાવરકુંડલા ખાતે આવેલું છે, જેમાં હાલ તેમના ફોઈના દીકરાઓ વસવાટ કરે છે. યુવકે આ મકાનમાંથી પોતાનો કાયદેસરનો હક-હિસ્સો માંગ્યો હતો. જોકે, ફોઈના દીકરાઓએ મકાનમાંથી કોઈપણ પ્રકારનો ભાગ આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. પોતાના જ સંબંધીઓએ હિસ્સો આપવાનો ઇનકાર કરતાં યુવકને મનમાં ભારે આઘાત લાગ્યો હતો. સતત માનસિક તાણ અને વિચારવાયુમાં સપડાયેલા યુવકે આખરે લીલીયા સ્થિત પોતાના ઘરે અનાજમાં નાખવાની ઝેરી ટીકડીઓ ખાઈ લીધી હતી. બનાવની જાણ થતાં જ પરિવારજનો દોડી આવ્યા હતા અને યુવકને તાકીદે સારવાર માટે હોસ્પિટલે પહોંચાડ્યો હતો. લીલીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ગૌતમભાઇ વલકુભાઇ ખુમાણ વધુ તપાસ ચલાવી રહ્યા છે.









































