સાવરકુંડલાના માનવ મંદિર આશ્રમમાં છેલ્લા ૧૪ વર્ષથી રખડતી-ભટકતી અને નિરાધાર મનોરોગી બહેનોને વિનામૂલ્યે આશ્રય આપી પુનર્જીવન માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભક્તિ બાપુની નિશ્રામાં ચાલતા આ આશ્રમમાં અત્યાર સુધીમાં ૧૩૫ બહેનો સાજી થઈ પોતાના પરિવાર સાથે પુનઃસ્થાપિત થઈ છે. અહીં ભારતભરના વિવિધ પ્રાંત અને જ્ઞાતિની બહેનો રહે છે તથા દરેક ધર્મને સ્વીકારી સેવા કરવામાં આવે છે. રક્ષાબંધનના પાવન પર્વે નાસીરભાઈ આશ્રમ ખાતે પહોંચ્યા હતા અને નિવાસ કરતી આશરે ૫૦ બહેનો પાસે રાખડી બંધાવી આશીર્વાદ મેળવ્યા હતા. બહેનોમાં પણ દર વર્ષે નાસીરભાઈ રાખડી બંધાવવા આવશે તેવો અતૂટ વિશ્વાસ જોવા મળે છે. કોમી એકતાનું આ અનોખું ઉદાહરણ છેલ્લા ૧૦ વર્ષથી માનવ મંદિર આશ્રમમાં જોવા મળી રહ્યું છે.









































