બાંદ્રા ટર્મિનસથી ભુજ જઈ રહેલી ટ્રેનના એસી કોચમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવતાં રેલવે સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. ટ્રેન નંબર ૦૯૦૩૭ સુપરફાસ્ટ સ્પેશિયલના થર્ડ કોચમાં મુસાફરોને સીટ નીચે બિનવારસી બેગો દેખાતાં શંકા ગઈ હતી. બેગ ખોલીને તપાસ કરતાં તેમાં વિદેશી દારૂની બોટલો, બિયરના કેન અને ક્વાર્ટરનો જથ્થો મળી આવ્યો હતો.
મુસાફરોએ સમગ્ર કોચમાં સતર્કતા સાથે તપાસ કરતાં ૧૦થી વધુ પેટીઓ, બેગ અને પ્લાસ્ટિકની કોથળીઓમાંથી દારૂ મળી આવ્યો હતો. આ દરમિયાન ત્રણ શખ્સોને મુસાફરોએ ઘેરીને ઝડપી લીધા હતા, જ્યારે બે શખ્સો ભીડનો લાભ લઈને ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. સુરત સ્ટેશન પર મુસાફરોએ પકડેલા ત્રણેય શખ્સો અને દારૂનો જથ્થો આરપીએફ જીઆરપીને સોંપ્યો હતો.
બાંદ્રા ટર્મિનસથી ભુજ જઈ રહેલી ૦૯૦૩૭ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન વાપી સ્ટેશનથી આગળ વધી રહી હતી. આ દરમિયાન થર્ડ છઝ્ર કોચમાં કેટલાક મુસાફરોની નજર સીટ નીચે લાંબા સમયથી પડેલી બેગો પર પડી હતી. બેગો લેવા કોઈ મુસાફર ન આવતાં શંકા વધુ ઘેરી બની હતી. ત્યારબાદ મુસાફરોએ બેગોની તપાસ કરી હતી. બેગ ખોલતાં અંદર વિદેશી દારૂની બોટલો, બિયરના કેન અને ક્વાર્ટરનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
કોચમાં દારૂનો જથ્થો હોવાની જાણ થતાં અન્ય મુસાફરો પણ સતર્ક થઈ ગયા હતા. ત્યારબાદ મુસાફરોએ પોતાના સ્તરે કોચના અન્ય ભાગોમાં પણ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સીટોની નીચે તેમજ કોચના અલગ-અલગ ખૂણામાંથી ૧૦થી વધુ પેટીઓ, થેલીઓ અને પ્લાસ્ટિકની કોથળીઓ મળી આવી હતી. મુસાફરોએ આ તમામ સામાનને કોચના ટોઇલેટ અને વેસ્ટિબ્યુલ પાસે એકઠો કર્યો હતો. થોડા સમયમાં ત્યાં દારૂનો મોટો જથ્થો જાવા મળ્યો હતો. મુસાફરોએ તરત જ ટ્રેનના ટીટીઇને જાણ કરી હતી. સાથે જ ટ્રેનમાં આટલો મોટો દારૂનો જથ્થો કેવી રીતે પહોંચ્યો તે મુદ્દે રેલવે સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉઠાવ્યા હતા. દારૂનો જથ્થો મળી આવ્યા બાદ કોચમાં હાજર કેટલાક શંકાસ્પદ શખ્સો પણ મુસાફરોના ધ્યાનમાં આવ્યા હતા. ત્રણ શખ્સોએ ત્યાંથી નીકળવાનો પ્રયાસ કર્યો હોવાની માહિતી છે. જાકે, મુસાફરો સતર્ક હોવાથી તેમણે ત્રણેયને ઘેરી લીધા હતા અને પકડી રાખ્યા હતા. પૂછપરછ દરમિયાન ત્રણેયે દારૂનો જથ્થો પોતાનો હોવાનું કબૂલ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલામાં કુલ પાંચ શખ્સો દારૂનો જથ્થો લઈ જઈ રહ્યા હોવાની માહિતી સામે આવી છે. જાકે, ભીડ અને હોબાળાનો લાભ લઈને અન્ય બે શખ્સો ટ્રેનમાંથી ફરાર થઈ ગયા હતા.
ટ્રેનમાં દારૂનો મોટો જથ્થો પકડાયો હોવાની જાણ રેલવે કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી. ટ્રેન સુરત સ્ટેશન પર પહોંચતા જ આરપીએફ અને જીઆરપીની ટીમ પ્લેટફોર્મ પર પહોંચી હતી. મુસાફરોએ પકડી રાખેલા ત્રણેય શખ્સોને પોલીસને સોંપ્યા હતા. સાથે જ કોચના ટોઇલેટ પાસે એકત્ર કરવામાં આવેલો દારૂનો જથ્થો પણ પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ત્રણ મોટી ટ્રાવેલ બેગ અને આશરે છ પ્લાસ્ટિક પાર્સલ કબજે કર્યા હતા.
આ મામલે રેલવે પોલીસે પાંચેય શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કુલ પાંચ અલગ-અલગ એફઆઇઆર નોંધી હોવાનું જાણવા મળે છે. ત્રણ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે, જ્યારે ફરાર થયેલા બે શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. હવે પોલીસની તપાસનો મુખ્ય મુદ્દો એ છે કે વાપી સ્ટેશનથી ટ્રેન માં દારૂનો આટલો મોટો જથ્થો સુરક્ષા તપાસમાંથી પસાર થઈને એસી કોચ સુધી કેવી રીતે પહોંચ્યો.










































