જૂનાગઢ જિલ્લાના કેશોદમાં યોગેશ્વર ધામ સોસાયટી વિસ્તારમાં ચોરીના બનાવોથી સ્થાનિકોમાં ચિંતા વધી છે. ગત રાત્રે તસ્કરોએ એક જ વિસ્તારમાં બે બાઇક અને કરિયાણાની દુકાનને નિશાન બનાવી ચોરી કરી હતી. સમગ્ર ઘટનાના ઝ્રઝ્ર્ફ ફૂટેજ સામે આવ્યા છે, જેમાં બે બુકાનીધારી શખ્સો દેખાઈ રહ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, તસ્કરો સોસાયટી વિસ્તારમાંથી ઘરની બહાર પાર્ક કરાયેલા બે ટુ-વ્હીલર ચોરી ગયા હતા. આ ઉપરાંત રેલવે ટ્રેક નજીકના વિસ્તારમાંથી પણ બાઇક ચોરાયાની માહિતી સામે આવી છે. એક જ રાત્રે વાહનોની ચોરી થતાં રહેવાસીઓમાં રોષ ફેલાયો છે. તસ્કરોએ પાછળની શેરીમાં આવેલી કરિયાણાની દુકાનને પણ નિશાન બનાવી હતી. રાત્રિના આશરે ૩ વાગ્યાના અરસામાં દુકાનના તાળા તોડી અંદર પ્રવેશ કરી રોકડ રકમ અને અન્ય સામાનની ચોરી કરવામાં આવી હતી.
ચોરીની સમગ્ર ઘટના નજીકના cctv કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં બે શંકાસ્પદ બુકાનીધારી વ્યક્તિઓ ચોરી કરતા જાવા મળી રહ્યા છે. સ્થાનિકોએ પોલીસને સીસીટીવીના આધારે તસ્કરોને ઝડપી પાડવાની માંગ કરી છે.
રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે છેલ્લા એકથી બે મહિનામાં સોસાયટી વિસ્તારમાં ચોરીના એકથી વધુ બનાવો બની ચૂક્યા છે. અંદાજે ૧૫ દિવસ પહેલાં નજીકના મંદિરમાંથી દાનપેટીની ચોરી થયાનો પણ સ્થાનિકોએ ઉલ્લેખ કર્યો છે.
વારંવાર ચોરીની ઘટનાઓને પગલે સ્થાનિકોમાં સુરક્ષાને લઈને ચિંતા વધી છે. રહેવાસીઓએ કેશોદ પોલીસ પાસે રાત્રિ પેટ્રોલિંગ વધારવા, સીસીટીવીના આધારે આરોપીઓને ઝડપી પાડવા તેમજ ચોરાયેલો મુદ્દામાલ પરત મેળવવાની માંગ કરી છે. પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.









































