ધારી ખોડિયાર ડેમ નજીક જુના ડાંગાવદર તરફ જતા રસ્તા પાસે જંગલ વિસ્તારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ મૃતકની ઓળખ ચંદ્રકાંતભાઈ પ્રવીણભાઈ મહેતા (ઉંમર ૩૦ વર્ષ), રહે. ધારી તરીકે થઈ હોવાનું જાણવા મળ્યું છે. જંગલ વિસ્તારમાં મૃતદેહ મળી આવતાં સ્થાનિકોએ આ અંગે જાણ કરતાં ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી મૃતદેહને ધારીની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. યુવકનું મોત કયા સંજોગોમાં થયું તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી.ઘટનાની જાણ થતાં ધારી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ જાણવા મળી શકે છે. હાલ ધારી પોલીસ દ્વારા બનાવની વધુ તપાસ કરવામાં આવી રહી છે.











































