અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ અંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે મોટી કાર્યવાહી કરીને સોનાની તસ્કરીનો પર્દાફાશ કર્યો છે. શારજાહથી આવેલી એક મહિલા મુસાફર પાસેથી રૂ. ૮૩ લાખથી વધુની કિંમતનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમિયાન મહિલાની શંકાસ્પદ હિલચાલને આધારે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં આ ગેરકાયદેસર સોનું પકડાયું હતું.મૂળ ભાવનગરની ૩૧ વર્ષીય આ મહિલા પોતાના હાઈ-નેક સ્વેટરમાં ખૂબ જ ચાલાકીપૂર્વક સોનાની ચેઈન છુપાવીને લાવી રહી હતી. કસ્ટમ્સ અધિકારીઓએ તપાસ કરતા તેની પાસેથી ૨૪ કેરેટ શુદ્ધતા ધરાવતી ૪૯૯.૫૪૦ ગ્રામ સોનાની ચેઈન મળી આવી હતી. આ જપ્ત કરાયેલા સોનાની બજાર કિંમત આશરે રૂ. ૮૩.૧૪ લાખ આંકવામાં આવી છે.કસ્ટમ્સ એક્ટ હેઠળ તાત્કાલિક ધોરણે સોનાનો જથ્થો જપ્ત કરીને મહિલા મુસાફરની અટકાયત કરવામાં આવી હતી. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મહિલાને જામીન પર મુક્ત કરવામાં આવી છે, પરંતુ આ સોનું કોના માટે લાવવામાં આવ્યું હતું અને તેની પાછળ કોઈ મોટું તસ્કરી નેટવર્ક સક્રિય છે કે નહીં તે અંગે વિભાગ દ્વારા વધુ તપાસ ચાલુ છે.










































