સાવરકુંડલામાં વહેલી સવારે અમદાવાદથી આવી રહેલી એક ખાનગી બસનો અકસ્માત સર્જાયો હતો. જૂના બસ સ્ટેશન નજીક પહોંચતા બસ અચાનક બે દુકાનો સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતની ટક્કર એટલી જોરદાર હતી કે બંને દુકાનોને નોંધપાત્ર નુકસાન થયું હતું. જોકે બસમાં સવાર કોઈ મુસાફરને ઈજા પહોંચી ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. અકસ્માત બાદ આસપાસના વિસ્તારમાં લોકો એકઠા થઈ ગયા હતા અને દુકાનદારો પણ સ્થળ પર પહોંચી ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દ્વારા પણ મદદ માટે દોડધામ કરવામાં આવી હતી. ખાનગી બસ કયા કારણોસર દુકાનો સાથે અથડાઈ તેનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. સમગ્ર બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.