સાવરકુંડલા શહેરમાં તાલુકા પંચાયતથી મોદી હાઈસ્કૂલ સુધીનો મુખ્ય માર્ગ ભારે ટ્રાફિક અને બેફામ ર્પાકિંગના કારણે નાગરિકો માટે માથાનો દુખાવો બન્યો છે. આ માર્ગ પર દિવસ દરમિયાન વાહનોની અવરજવર વધુ રહેતી હોવાથી અવારનવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. તેમાં રસ્તાની બંને બાજુ વાહનો આડેધડ પાર્ક કરવામાં આવતા માર્ગ સાંકડો બની જાય છે અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.ખાસ કરીને વ્યસ્ત સમય દરમિયાન ટ્રાફિક જામ સર્જાતા રાહદારીઓ તેમજ વાહનચાલકો લાંબા સમય સુધી અટવાઈ રહે છે. આ સમસ્યાને લઈને સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. નાગરિકોની માંગ છે કે તંત્ર અને ટ્રાફિક પોલીસ દ્વારા બેફામ પાર્કિંગ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા તાત્કાલિક પગલાં લેવામાં આવે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ સમસ્યાનો ક્યારે ઉકેલ લાવે છે.








































