ભક્તિમાં ભીંજવતો પવિત્ર શ્રાવણ માસનો ગુરૂવારથી પ્રારંભ થયો છે. શ્રાવણ માસને ભગવાન શિવજીની આરાધના અને ઉપાસના માટેનો પવિત્ર માસ માનવામાં આવે છે. શ્રાવણ માસના પ્રારંભ સાથે જ અમરેલી સહિત સમગ્ર જિલ્લામાં આવેલા શિવાલયોમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી અને હર-હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્‌યા હતા.અમરેલી શહેરમાં આવેલા સુપ્રસિધ્ધ નાગનાથ મહાદેવ, કામનાથ મહાદેવ સહિતના શિવમંદિરોમાં વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે પહોંચ્યા હતા. ભક્તોએ ભગવાન ભોળાનાથના દર્શન કરી જળાભિષેક, દુધાભિષેક તેમજ બિલીપત્ર અર્પણ કરી પૂજન-અર્ચન કર્યું હતું. અનેક ભક્તોએ ભગવાન શિવજીને વિવિધ રીતે રીઝવી વિશ્વશાંતિ અને પરિવારની સુખ-સમૃધ્ધિ માટે પ્રાર્થના કરી હતી. નાગનાથ મહાદેવ અને કામનાથ મહાદેવ સહિતના નાના-મોટા શિવમંદિરોમાં આખો દિવસ ભક્તોનો જમાવડો જોવા મળ્યો હતો. મંદિરના
ગર્ભગૃહમાં ભક્તોએ ભગવાન શિવને દૂધ અને જળનો અભિષેક કરી બિલીપત્ર, ફૂલ સહિતની પૂજા સામગ્રી અર્પણ કરી હતી. ભક્તોએ ભગવાન શિવ સર્વેના મનોરથ પૂર્ણ કરે તેવી ભાવના સાથે શ્રધ્ધાપૂર્વક પૂજા કરી હતી. બગસરા શહેરમાં આવેલા પૌરાણિક બગેશ્વર મહાદેવ, ભૂતનાથ મહાદેવ અને રત્નેશ્વર મહાદેવ મંદિરોમાં પણ શ્રાવણ માસના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્‌યા હતા. મંદિરોમાં ભક્તોએ ભગવાન શિવના દર્શન કરી પૂજન-અર્ચન કર્યું હતું. શ્રાવણ માસ દરમિયાન આગામી દિવસોમાં પણ શિવાલયોમાં ભક્તોની ભીડ રહેવાની સંભાવના છે. અમરેલી જિલ્લાના તમામ તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા શિવમંદિરોમાં પણ શ્રધ્ધાળુઓએ ભગવાન ભોળાનાથની આરાધના કરી હતી. શ્રાવણ માસના આગમન સાથે સમગ્ર અમરેલી જિલ્લો જાણે શિવમય બની ગયો હોય તેવો ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.