તમિલનાડુ વિધાનસભાએ મંગળવારે નીટના અસ્તીત્વ સામે ઠરાવ પસાર કર્યો. નીટ,એક મેડિકલ પ્રવેશ પરીક્ષા, પેપર લીક વિવાદના કેન્દ્રમાં હતી જેના કારણે ગયા મહિને જનતા પાર્ટીના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. આ દરમિયાન, ભાજપના નેતા ધર્મેન્દ્ર પ્રધાનને કેન્દ્રીય શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. તમિલનાડુમાં, શાસક ટીવીકે અને તેના સાથી પક્ષો, જેમાં કોંગ્રેસનો સમાવેશ થાય છે, તેમજ મુખ્ય વિપક્ષ ડીએમકે, એઆઇએડીએમકે અને અન્ય પક્ષોએ નીટ વિરોધી ઠરાવને ટેકો આપ્યો હતો, જ્યારે ભાજપના એકમાત્ર ધારાસભ્ય ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા હતા.
રાજ્યના આરોગ્ય પ્રધાન કે.જી. અરુણરાજ દ્વારા રજૂ કરાયેલા ઠરાવમાં ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારને અંડરગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે રાષ્ટ્રીય પાત્રતા-સહ-પ્રવેશ પરીક્ષા નાબૂદ કરવા વિનંતી કરવામાં આવી હતી. અરુણરાજે આરોપ લગાવ્યો, નીટએ વિદ્યાર્થીઓનું ધ્યાન શાળાના અભ્યાસક્રમમાંથી કોચિંગ તરફ વાળ્યું છે.” આના કારણે વધુ પડતી ફી વસૂલતા કોચિંગ સેન્ટરોની સંખ્યામાં વધારો થયો છે.
મુખ્યમંત્રી સી. જાસેફ વિજયના નેતૃત્વ હેઠળના ટીવીકે પાર્ટીના વરિષ્ઠ નેતા અરુણરાજે વધુમાં દલીલ કરી હતી કે, “આ પરીક્ષા ગ્રામીણ, સામાજિક-આર્થિક રીતે વંચિત વિદ્યાર્થીઓ માટે તબીબી શિક્ષણની તકોને ગંભીર રીતે નબળી પાડે છે.” તેમણે કહ્યું કે તમિલનાડુમાં એક પછી એક બનતી સરકારોએ ભાર મૂક્યો છે કે નીટ્ સામાજિક ન્યાય, સમાનતા અને રાજ્યોના અધિકારોની વિરુદ્ધ છે.”
આ ઠરાવમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારને સંબંધિત કેન્દ્રીય કાયદાઓમાં સુધારો કરવા અને અંડરગ્રેજ્યુએટ મેડિકલ પ્રવેશ માટે સમાન નીટ સિસ્ટમ નાબૂદ કરવા વિનંતી કરવામાં આવી છે. વિજય સરકારે પ્રસ્તાવ મૂક્યો છે કે રાજ્યમાં તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ ધોરણ ૧૨ પરીક્ષાના સ્કોર્સ પર આધારિત હોય. આ વલણ અગાઉની ડીએમકે સરકારે પણ અપનાવ્યું હતું.
આ ઠરાવમાં જણાવાયું છે કે તમિલનાડુ વિધાનસભાએ સર્વાનુમતે બિલ નં. ૪૩, ૨૦૨૧ પસાર કર્યું હતું, જેમાં રાજ્યને અંડરગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નીટમાંથી મુક્તિ આપવામાં આવી હતી. જોકે, ઠરાવમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિની સંમતિ વિના બિલને પેન્ડીંગ રાખવામાં આવ્યું છે. ઠરાવમાં, તમિલનાડુ સરકાર જણાવે છે કે નીટ સિસ્ટમ તમિલ માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, તેમજ ગ્રામીણ અને આર્થિક રીતે પછાત પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓની તબીબી શિક્ષણ સુધી પહોંચ પર ગંભીર અસર કરે છે. આનાથી મોંઘા કોચિંગ સેન્ટરો પર વધતી જતી નિર્ભરતા અને વિદ્યાર્થીઓના શિક્ષણ પર પરીક્ષાની અસર અંગે પણ ચિંતા વ્યક્ત થાય છે.
ઠરાવમાં જણાવાયું છે કે નીટ પરીક્ષા માટે અતિશય ફી વસૂલતા અનિયંત્રિત કોચિંગ સેન્ટરોની સંખ્યા વધી છે, જેના કારણે વિદ્યાર્થીઓને તેમના શાળાના અભ્યાસક્રમ પરથી ધ્યાન હટાવીને મુખ્યત્વે નીટની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરવાની ફરજ પડી છે. તે વધુમાં દલીલ કરે છે કે ૧૨ વર્ષના શાળાકીય અભ્યાસ પછી એક દિવસીય પ્રવેશ પરીક્ષા, વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ મેળવવામાં નિર્ણાયક પરિબળ બની ગઈ છે.
પ્રસ્તાવમાં પ્રશ્નપત્રોના વારંવાર લીકેજ અને પરીક્ષા પ્રણાલીમાં અનિયમિતતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે નીટ યુજી રદ કરવા અને ફરીથી યોજવાથી લાયક વિદ્યાર્થીઓને નોંધપાત્ર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે અને પરીક્ષા પ્રણાલીમાં તેમનો વિશ્વાસ ઓછો થયો છે. તેમાં પરીક્ષા સંબંધિત તણાવ સંબંધિત વિદ્યાર્થીઓની આત્મહત્યાનો પણ ઉલ્લેખ છે. તે તારણ આપે છે કે સિસ્ટમ નાબૂદ થવી જોઈએ. આનો અમલ કરવા માટે, કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સ્તરે નીટ બંધ કરવા માટે નેશનલ મેડિકલ કમિશન એક્ટ, ૨૦૧૯, કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન એક્ટ, ૨૦૨૦, હોમિયોપેથી કમિશન એક્ટ, ૨૦૨૦ અને અન્ય સંબંધિત કાયદાઓમાં સુધારો કરવો પડશે.
ખંડિત મેડિકલ પ્રવેશ પ્રણાલીને બદલવા માટે નીટનો સૌપ્રથમ પ્રસ્તાવ ૨૦૧૩ માં મૂકવામાં આવ્યો હતો નીટ પહેલાં, પ્રવેશ પ્રક્રિયાને ૧૫% રાષ્ટ્રીય ક્વોટા માટે ઓલ ઇન્ડિયા પ્રી-મેડિકલ ટેસ્ટ અને બાકીના ૮૫% માટે રાજ્ય-સ્તરીય પરીક્ષાઓ વચ્ચે વિભાજિત કરવામાં આવી હતી. એમ્સ જેવી મોટી સંસ્થાઓ સ્વતંત્ર પરીક્ષાઓ લેતી હતી, જ્યારે ખાનગી કોલેજા પોતાની રીતે પરીક્ષાઓ લેતી હતી.નીટની આસપાસના તીવ્ર કાનૂની લડાઈઓ પછી, તે ૨૦૧૭ સુધીમાં ફરજિયાત રાષ્ટ્રવ્યાપી પરીક્ષા બની ગઈ. ૨૦૨૦ સુધીમાં, મોટી કોલેજા પણ તેમાં એકીકૃત થઈ ગઈ, જેના કારણે ભારતમાં તમામ મેડિકલ પ્રવેશ માટે નીટ એક જ ધોરણ બની ગયું. તે એક માધ્યમ તરીકે સ્થાપિત થઈ ગયું છે. તમિલનાડુના નેતૃત્વમાં, નીટની ટીકા એ આધાર પર થઈ રહી છે કે તે એવા લોકોને લાભ આપે છે જેઓ મોંઘા, બહુ-વર્ષીય કોચિંગ કાર્યક્રમો પરવડી શકે છે. રાજ્યો એવો પણ દલીલ કરે છે કે કેન્દ્રિય પરીક્ષા ભારતના સંઘવાદના વિચારનું ઉલ્લંઘન કરે છે, કારણ કે તે સ્થાનિક આરોગ્યસંભાળ જરૂરિયાતોનું સંચાલન કરવાના તેમના અધિકારનું ઉલ્લંઘન કરે છે.







































