રૂપિયા ૧૦ની ચલણી નોટ પર અંકિત કરાયેલું કોણાર્કનું સૂર્ય મંદિર , ભારતના આૅડિશા (ઓરિસ્સા) રાજ્યના પુરી જિલ્લાના પુરી શહેરમાં આવેલું છે. લાલ બલુઆ પત્થર તથા કાળા ગ્રેનાઇટ પત્થરવાળા આ મંદિરનું ઈ.સ.૧૨૩૬-૧૨૬૪માં ગંગ વંશના રાજા નૃસિંહદેવે નિર્માણ કરાવ્યું હતું. ભારતના જગપ્રસિધ્ધ સ્થળોમાંના એક આ મંદિરને યુનેસ્કો દ્વારા ૧૯૮૪માં વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કર્યું છે. કલિંગ શૈલીમાં નિર્મિત આ મંદિર સૂર્ય દેવના રથ રૂપમાં નિર્મિત છે. જેને પત્થર પર ઉત્કૃષ્ટ નક્શીકામથી ખૂબ સુંદર બનાવ્યું છે. સંપૂર્ણ મંદિર એક બાર જોડી ચક્રવાળા, સાત ઘોડા થી ખેંચાતા સૂર્ય દેવના રથના રૂપમાં બનાવ્યું છે. મંદિર પોતાની કામુક મુદ્રાવાળી શિલ્પાકૃતિઓ માટે પણ પ્રસિધ્ધ છે. અહીં સૂર્યને બિરંચિ-નારાયણ કહેતા હતાં.
• સૂર્ય મંદિરનું સ્થાપત્યઃ
સૂર્ય દેવના રથના રૂપમાં નિર્મિત આ મંદિરને પત્થર પર ઉત્કૃષ્ટ નક્શીકામથી ખૂબ સુંદર બનાવ્યું છે. આખું મંદિર બાર જોડી ચક્રવાળા, સાત ઘોડાથી ખેંચાતા સૂર્ય દેવના રથ રૂપમાં બનાવ્યું છે. મંદિરની સંરચના, જે સૂર્યના સાત ઘોડાથી દિવ્ય રથને ખેંચે છે. આ રથના પૈડાં, જે કોણાર્કની ઓળખ બન્યાં છે. મંદિરના આધાર ને સુંદરતા પ્રદાન કરતા બાર ચક્ર વર્ષના બાર મહિનાને દર્શાવે છે. જ્યારે દરેક ચક્ર આઠ આરાથી મળીને બન્યું છે, જે દિવસના આઠ પહોરને દર્શાવે છે.
મુખ્ય મંદિર ત્રણ મંડપમાં બનેલું છે. જેમાંથી બે મંડપ પડી ગયા છે. ત્રીજા મંડપમાં જ્યાં મૂર્તિ હતી ત્યાં અંગ્રેજોએ ભારતીય સ્વતંત્રતા પૂર્વે જ રેતી-પત્થર ભરાવી બધાં દ્વારને સ્થાયીરૂપે બંધ કરાવ્યાં હતાં, જેથી મંદિર વધુ ક્ષતિગ્રસ્ત ના થાય.
મંદિરમાં સૂર્યદેવની ૩ પ્રતિમા છેઃ (૧) બાલ્યાવસ્થા-ઉદિત સૂર્ય- ૮ ફીટ (૨) યુવાવસ્થા-મધ્યાહ્ન સૂર્ય- ૯.૫ ફીટ (૩) પ્રૌઢાવસ્થા-અસ્ત સૂર્ય- ૩.૫ ફીટ.
જેના પ્રવેશ પર બે સિંહ હાથી પર આક્રમક થતા દર્શાવ્યા છે. જે તત્કાલીન બ્રાહ્મણ રૂપી સિંહનું બૌધ્ધ રૂપી હાથી પર વર્ચસ્વનું પ્રતીક છે. બંને હાથી, એક-એક માનવ પર સ્થાપિત છે. આ પ્રતિમાઓ એક જ પત્થરમાંથી બનેલી છે. આ ૨૮ ટનની ૮.૪ ફીટ લાંબી, ૪.૯ ફીટ પહોળી તથા ૯.૨ ફીટ ઊંચી છે. મંદિરના દક્ષિણ ભાગમાં બે ઘોડા છે, જેમને આૅડિશા સરકારે પોતાના રાજચિહ્ન રૂપે અંગીકાર કર્યા છે, જે ૧૦ ફીટ લાંબા અને ૭ ફીટ પહોળા છે. મંદિરના પ્રવેશ દ્વાર પર નટ મંદિર છે. જ્યાં મંદિરની નર્તકીઓ સૂર્યદેવને અર્પણ કરવા નૃત્ય કરતી હતી. મંદિરમાં જ્યાં-ત્યાં ફૂલવેલ અને ભૌમિતીક નક્શીકામ જોવા મળે છે. સાથે જ માનવ, દેવ, ગંધર્વ, કિન્નર આદિની આકૃતિઓ પણ એન્દ્રિક મુદ્રામાં દર્શિત છે. જેમની મુદ્રાઓ કામુક અને કામસૂત્રથી લેવાઈ છે. મંદિર હવે અંશિક રૂપે ખંડેરમાં પરિવર્તિત છે. અહીંની શિલ્પ કળાકૃતિનો સંગ્રહ, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગના સૂર્ય મંદિર સંગ્રહાલયમાં સુરક્ષિત છે.
•૧૩મી સદીનું મુખ્ય સૂર્ય મંદિરઃ મહાન રથરૂપમાં બનેલું મંદિર છે. જે બાર જોડ઼ી સુસજ્જિત પૈડાંથી સાત ઘોડાથી ખેંચાય છે. મંદિરનું સ્થાપત્ય અદ્વિતીય સુંદરતા અને શિલ્પ કૃતિથી પરિપૂર્ણ છે. જે સહસ્ર શિલ્પ આકૃતિઓ ભગવાન, દેવી-દેવતા, ગાંધર્વ, માનવી, વાદ્યક, પ્રેમી યુગલ, દરબારની છબી, શિકાર તથા યુધ્ધના ચિત્રો સભર છે. જેની વચ્ચે વચ્ચે પશુ-પક્ષી (બે હજાર હાથી, મુખ્ય મંદિરના આધારપટ પર વિહરતાં), પૌરાણિક જીવ, વેલ બૂટા તથા ભૌમિતીક નમૂના અલંકૃત છે. મંદિરમાં આૅડિયા શિલ્પકળાની ઉત્કૃષ્ટતાના દર્શન થાય છે.
• કામુક મુદ્રાની શિલ્પાકૃતિઃ
મંદિર પોતાની કામુક મુદ્રાવાળી શિલ્પાકૃતિઓ માટે પણ પ્રસિધ્ધ છે. આવી આકૃતિઓ મુખ્યતઃ દ્વારમંડપના દ્વિતીય સ્તર પર જોવા મળે છે. હજારો માનવ, પશુ તથા દિવ્ય લોકો આ જીવન રૂપી મેળામાં કાર્યરત દેખાય છે, જેમાં આકર્ષકરૂપે યથાર્થવાદનો સંગમ થયેલો છે. આૅડિશાની સર્વોત્તમ કૃતિ છે. ઉત્કૃષ્ટ શિલ્પકળા, નક્શા, પશુ તથા માનવ આકૃતિઓનું સટીક પ્રદર્શન અન્ય મંદિરોથી ઘણું બહેતર છે.
સૂર્ય મંદિર ભારતીય મંદિરની કલિંગ શૈલીનું છે, જેમાં કોણીય અટ્ટાલિકા પર મંડપની જેમ છત્રી ઢંકાયેલી છે. ૨૨૯ ફીટ ઊંચા મુખ્ય ગર્ભગૃહ ૧૨૮ ફીટ ઊંચી નાટ્યશાળા સાથે બનેલાં છે. જેમાં બહાર નીકળેલી અનેક આકૃતિ છે. મુખ્ય ગર્ભમાં પ્રધાન દેવતાનો વાસ હતો, કિંતુ તે ધ્વસ્ત થઈ ચૂક્યો છે. નટ મંદિર તથા ભોગ મંડપના અમુક જ ભાગ ધ્વસ્ત થયાં છે. મંદિર નું મુખ્ય પ્રાંગણ ૮૫૭ ફીટ ઠ ૫૪૦ ફીટનું છે. પૂર્વ – પશ્ચિમ દિશામાં નિર્મિત આ મંદિર પ્રાકૃતિક હરિયાળીથી ઘેરાયેલું છે. અહીં કૈજ઼ુએરિના તથા અન્ય વૃક્ષ રોપેલ છે, જે રેતાળ ભૂમિ પર ઉગે છે.
• પૌરાણિક મહત્વ: આ મંદિર સૂર્યદેવ (અર્ક)ને સમર્પિત હતું, જેમને સ્થાનીય લોકો બિરંચિ-નારાયણ કહેતાં હતાં. આ જે ક્ષેત્રમાં સ્થિત હતું, તે અર્ક-ક્ષેત્ર કે પદ્મ-ક્ષેત્રના નામે જાણીતું હતું. પુરાણ અનુસાર, કૃષ્ણના પુત્ર સામ્બને તેમના શ્રાપથી કોઢ રોગ થયો હતો. સામ્બે મિત્રવનમાં ચંદ્રભાગા નદીના સાગર સંગમ પર
કોણાર્કમાં, ૧૨ વર્ષ તપસ્યા કરી સૂર્ય દેવને પ્રસન્ન કર્યાં. સૂર્યદેવ, જે બધાં રોગના નાશક હતા, તેમણે એના રોગનો નાશ કર્યો. તેમના સન્માનમાં સામ્બે એક મંદિર નિર્માણનો નિશ્ચય કર્યો હતો. પોતાના રોગના નાશ પછી ચંદ્રભાગા નદીમાં સ્નાન કરતી વખતે તેને સૂર્યદેવની મૂર્તિ મળી, જે સૂર્યદેવના શરીર ભાગથી, દેવશિલ્પી વિશ્વકર્માએ બનાવી હતી. સામ્બે પોતાના મિત્રવનના મંદિરમાં આ મૂર્તિ સ્થાપી ત્યારથી આ સ્થાન પવિત્ર મનાવા લાગ્યું.. sanjogpurti@gmail.com










































