બનેવીલાલે આવતાની સાથે જ એક વાત વહેતી મૂકી. (આમ તો બનેવીલાલ પાંહે તરહ તરહની વાતું હોય છે. જેમ કે, બે માસ્તરો એક જ નિશાળમાં એક સરખું જ ભણાવતાં હોય. પરંતુ, એકનો પગાર હોય એંસી હજાર રૂપિયા. અને એકનો હોય અઢાર હજાર રૂપિયા. છતાંય અઢાર હજારવાળો એંસી હજારવાળા કરતાં સારું ભણાવે છે. પણ, કોઈ બોલી હકતું નથી આ ફાઈનલ જેવી વાત છે.)
‘બેરાલાલ..! તમારો પપુડો આજકાલ હું કરે છે?’ ‘વધારે તો કાંઈ કરતો નથી. પણ , હાં એ’દિ જરુર કાપે છે. ’ ‘એટલે ઈ ઈંન્ટરિયા બિન્ટરિયા નથી ભરતો?’ ‘ભરે છે ને..! ઘણાં ઘણાંની હામે લાઈનું ભરે છે. અને એમાંથી નવરો પડે એટલે ઈંન્ટરિયા’ય ભરે છે. પણ, ઈંન્ટરિયાનું આવે હું? લાગવગ વાળાં જ મોર ઘરી જાય છે. આપણો ભાવ પુછે કોણ’
‘છતાંય આવાં ઈંન્ટરિયા ભરે રાખવાં. કોક ‘દિ તો વારો આવશે ને.’
‘ત્યાં હુધી એને ખવરાવશે કોણ? એટલે હવે નોકરી બોકરી ગઈ ઘરે. એને કોઈ આંદોલન નો નેતા બનાવી દેવો છે. આજકાલ આવાં ઘણાં આંદોલનોમાં નવાં નવાં નેતાઓ બની ગયાં છે.’ ‘હા પણ, આંદોલનમાં ખરસો કોણ કરશે? તમારી રહી સહી જમીને ‘ય વેચાઈ જાહે.’
‘તમે ખડ ખાવ છો બનેવીલાલ! જમીન વેચાય નહી. હોય એમાં જમીન વધારાય. તમે જ આપણાં આંદોલનનાં નેતાઓ જોઈ લો..!
એક કરતાં એક વધે એટલી અને એવી એવી મિલકત વસાવી લીધી છે. કોઈ નેતા તો કોઈ પરનેતા બની ગયાં છે. અને હૌથી મોટું હખ ઈ છે કે, એમાં કોઈ જાતની પરીક્ષા આપવાની આવતી જ નથી. એટલે પેપર ફૂટવાનો કકળાટ જ નથી આવતો.
પણ, હેં બનેવીલાલ! હવે કોઈ આંદોલન થશે ખરું? હા..હા..! હજી તો ઘણાં’ય આંદોલનો લાઈનમાં છે. જેમ શેર બજારમાં નવા નવા આઈ. પી. ઓ. લાઈનમાં હોય. એમ આંદોલનો’ય લાઈનમાં ઊભા હોય છે. (માલ ખાઈ મદારી ને…)
‘તો તો હવે ઈ જ કામ કરવું છે. એમને એમ પૈસા વાળા નહીં થવાય.’
‘મારી પાંહે હજીય એક રસ્તો છે.’
‘બોલો બોલો..! ક્યોં રસ્તો છે.અને હું કરવું પડહેં ?
જો સીધી આંગળીએ ઘી નીકળતું હોય તો આપણે આંગળી વાંકી નથી કરવી.’
‘એને ઉત્તર પ્રદેશ મોકલી દો’
‘ઉત્તર પ્રદેશ? ન્યા તો યોગીનું રાજ છે. હારા હારાને ઘર ભેગાં કરી દીધાં છે.’
‘છતાંય ન્યા નોકરીનો હારો સાન્ચ છે.’
‘અરે પણ, મને યાદ છે ત્યાં લગણ.. રામ મંદિરમાંથી ઘણાં’યને છૂટા કરી દીધાં છે. તો પછી, મારો પપુડો ન્યા જઈને કરશે હું!?’
‘ન્યા એક જણને બબ્બે નોકરીનો પગાર મળે છે.’
‘હું કાંઈ હમજયો નહીં!! બબ્બે પગાર એટલે? રાતનો જુદો અને દિવસનો ‘ય જુદો એમ!?’
‘ના..આ..! એમ નઈ. એક જ માણસ, એક જ દિવસે બે અલગ અલગ જગ્યાએ નોકરી કરે. એટલે પગાર તો ડબલ આવે જ ને!!’
‘એટલે તમે ખાનગી નોકરીની વાત કરો છો?’
‘ના..આ..! સરકારી નોકરીની વાત છે. ખાનગી વાળા તો તમને એરંડીયુ પાઈને તેલ કઢાવી નાંખે. અને સરકારીમાં તો મોજે મોજ હોય. જાવ નો જાવ. હાજરી તમારી પુરાઈ જ જાય.’
‘હા પણ, આમાં ડબલ પગાર ક્યાં આવ્યો? આવું તો આપણાં ગુજરાતમાં ‘ય હાલે છે. આપણે ન્યા તો ઘણાંયને નોકરીએ નો જાય તોય પગાર આવે છે. ’
‘તમે હજી હમજયાં નહીં બેરાલાલ! ન્યા નોકરી એક કરવાની. અને પગાર બે જગ્યાએથી આવે. એટલે ન્યા જાવાની વાત છે.’
‘ના..ના..ના. સરકારી નોકરીમાં એવું હાવ ‘ધકેલ પંચા દોઢસો’નો હાલે. તમારી કાંઈક ગેર સમજ થાતી હશે.’
‘તો પછી લ્યો તમને આ પુરાવો આપું.
યુ .પી .માં બે જિલ્લા છે. બારાબંકી અને પ્રતાપગઢ.
નરૌલી ગામનો એક માણસ. ‘જય પ્રકાશ સિંહ.’
પરંતુ નહોંતુ એનામાં જય, નહોંતો એમાં પ્રકાશ કે નહોંતી સિંહ વૃતિ. આ જય પ્રકાશે ૨૬, ડિસેમ્બર ૧૯૭૯ પ્રતાપગઢ જિલ્લામાં આરોગ્ય વિભાગમાં બિન તબીબી સહાયક તરીકે નોકરી લીધી.
ખર્ચાઓ વધવા લાગ્યા. હવે શું કરવું? એટલે એમણે ૧૯૯૩ મા બારાબંકી જિલ્લામાં બેઝિક શિક્ષણ વિભાગમાં બીજી નોકરી લીધી.’
‘તો તો બન્નેનાં ડોક્યુમેન્ટ અલગ અલગ હશે.’
‘ના..આ..! એક જ ડોક્યુમેન્ટ ઉપર બન્ને નોકરી મળી. અને કરી ‘ય ખરી.’
‘તો પછી બે ચાર મહીના આવું હાલ્યું હશે.’
‘ના..આ..!! પુરા સત્તર સત્તર વર્ષ સુધી બન્ને પગાર ખાધો. નોકરીએ એક જગ્યાએ જવાનું અને પગાર બન્નેનો આવે.’
‘પછી..? પછી શું થયું?’
‘૨૦૦૯ મા આની પોલ પકડાઈ ગઈ. અને ફરિયાદ દાખલ થઇ. કોર્ટે સાત વર્ષની સજા. અને રૂપિયા ૩૦૦૦૦/- નો દંડ કર્યો. અને લટકામાં જેટલો પગાર લીધો ઈ હંધોય પગાર પરત જમા કરવાનો હૂકમ થયો.’
‘છતાંય એનો પગાર કેટલોક હશે? આપણે ત્યાં તો સામાન્ય ડ્રાઈવરના ઘરેથી ‘ય કરોડો રૂપિયા રોકડા અને પંદર વીસ કીલો સોનું મળી આવે છે.
અને આંદોલનકારીઓ પાંહે તો રૂપિયાનાં ઢગલાં થાય છે. હવે તો મારો રામે ય જાણતો નથી કે, રૂપિયા ક્યાંથી આવે છે? અને ક્યાં જાય છે.
kalubhaibhad123@gmail.com










































