માણસને સમજવો હોય તો તેના શબ્દો સાંભળવા કરતાં ક્યારેક તેના મૌનને સાંભળવું પડે છે. કારણ કે શબ્દો તો માણસ પોતાની મરજી મુજબ બોલી શકે છે, પરંતુ મૌન ઘણી વખત તેની સાચી લાગણી કહી જાય છે. એક વ્યક્તિને કોઈએ પૂછ્યું, “તમે હવે પહેલાં જેટલું બોલતા કેમ નથી?” તે હળવું સ્મિત કરીને બોલ્યો, “પહેલાં મને લાગતું હતું કે મારી વાત સમજાવવા માટે શબ્દોની જરૂર છે. હવે સમજાયું છે કે જેને સમજવું હોય તેને મૌન પણ સમજાય છે અને જેને નથી સમજવું તેને હજારો શબ્દો પણ ઓછા પડે.”
આ એક નાનકડો જવાબ છે, પરંતુ તેની પાછળ જીવનનો મોટો અનુભવ છુપાયેલો છે. આપણે સૌના જીવનમાં એવો સમય આવે છે જ્યારે આપણે ખૂબ બોલીએ છીએ, સમજાવીએ છીએ, મનાવીએ છીએ, પોતાની વાત સાચી સાબિત કરવા પ્રયત્ન કરીએ છીએ. પરંતુ સમયની સાથે અનુભવ શીખવે છે કે દરેક વાતનો જવાબ આપવો જરૂરી નથી અને દરેક વ્યક્તિને પોતાની નિર્દોષતા સાબિત કરવી પણ જરૂરી નથી.
કેટલાક જવાબો સમય આપે છે અને કેટલાક જવાબો મૌન આપે છે.મૌન એટલે નબળાઈ નહીં. ઘણી વખત મૌન એ પરિપક્વતાની નિશાની છે. જે વ્યક્તિ દરેક ટીકાનો જવાબ આપતી નથી, તેનો અર્થ એ નથી કે તેની પાસે જવાબ નથી. કદાચ તેને સમજાઈ ગયું છે કે કેટલીક ચર્ચાઓમાં જીતવા કરતાં પોતાની શાંતિ બચાવવી વધુ મહત્વની છે.
જીવનમાં કેટલાંક સંબંધો એવા હોય છે જ્યાં આપણે વારંવાર સમજાવીએ છીએ કે “મારી વાત એવી નહોતી”, “મારો ઈરાદો એવો નહોતો”, “તમે મને ખોટું સમજી રહ્યા છો…” પરંતુ સામેની વ્યક્તિ જો સમજવા તૈયાર જ ન હોય તો શબ્દો માત્ર થાક વધારશે. ત્યાં મૌન જ સૌથી સુંદર જવાબ બની જાય છે. પરંતુ મૌનને સમજવા માટે પણ એક અલગ પ્રકારની સંવેદનશીલતા જોઈએ.
કોઈ વ્યક્તિ અચાનક ઓછું બોલવા લાગે ત્યારે આપણે તરત જ કહી દઈએ છીએ “આ તો બદલાઈ ગયો!” પણ કદાચ તે બદલાયો નથી, તે અંદરથી થાકી ગયો છે. કોઈ હંમેશાં હસતો માણસ એક દિવસ શાંત થઈ જાય તો કદાચ તેના જીવનમાં કંઈક એવું બન્યું હશે જેને તે શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી.
કોઈ વ્યક્તિ બધાની વચ્ચે હોવા છતાં એકલો લાગે તો કદાચ તેને ભીડ નહીં, પરંતુ સમજણની જરૂર હોય. કોઈ વ્યક્તિ પોતાની સમસ્યા કહેતો નથી તો તેનો અર્થ એ નથી કે તેને સમસ્યા નથી. કદાચ તેને ડર હોય છે કે પોતાની વાત કહ્યા પછી લોકો તેને સમજવાને બદલે તેની ટીકા કરશે.
આપણે માણસના શબ્દો તો સાંભળીએ છીએ, પરંતુ તેની અનકહી વાત સાંભળવાનું ભૂલી ગયા છીએ. આજના સમયમાં ઘોંઘાટ ઘણો છે. મોબાઇલમાં સતત નોટિફિકેશન છે. સોશિયલ મીડિયામાં સતત સંદેશાઓ છે. દરેક વ્યક્તિ પોતાની વાત હેવા ઉતાવળમાં છે. પરંતુ આ બધાની વચ્ચે કોઈને શાંતિથી સાંભળવા માટે સમય બહુ ઓછો છે. આપણે જવાબ આપવા માટે સાંભળીએ છીએ, સમજવા માટે નહીં. સામેની વ્યક્તિ વાત પૂરી કરે તે પહેલાં જ આપણે પોતાનો જવાબ તૈયાર કરી દઈએ છીએ. પરિણામે સંવાદ તો થાય છે, પરંતુ સમજણ થતી નથી.
શાંતિમાં એક અલગ જ શક્તિ છે. ઘોંઘાટમાં બહારની દુનિયા સંભળાય છે, પરંતુ શાંતિમાં અંદરની દુનિયા સંભળાય છે. જ્યારે માણસ થોડો સમય પોતાની સાથે બેસે છે, ત્યારે તેને પોતાના જ મનના ઘણા એવા અવાજો સંભળાય છે જેને દુનિયાના ઘોંઘાટમાં તે વર્ષોથી અવગણતો આવ્યો હોય છે.ક્યારેક પોતાના અંતરમાંથી પ્રશ્ન આવે છે કે “હું ખરેખર ખુશ છું?” “હું જે કરી રહ્યો છું તે મારી ઈચ્છા છે કે લોકોની અપેક્ષા?” “જે સંબંધને હું સાચવી રહ્યો છું, તેમાં મને સાચે જ સુખ મળે છે?” “જે વાત માટે હું સતત લડી રહ્યો છું, તે ખરેખર એટલી મહત્વની છે?”
આ પ્રશ્નોના જવાબ બહાર ક્યાંય નથી મળતા. આ જવાબો માટે માણસે પોતાના અંતરમાં ઉતરવું પડે છે. અને એ માટે શાંતિ જોઈએ. પરંતુ એક વાત યાદ રાખવી જરૂરી છે કે મૌન એટલે લાગણીઓને કાયમ માટે દબાવી દેવી નહીં.
જ્યાં પ્રેમ હોય ત્યાં સંવાદ જરૂરી છે. જ્યાં સંબંધ હોય ત્યાં સ્પષ્ટતા જરૂરી છે. જ્યાં ગેરસમજ હોય ત્યાં વાતચીત જરૂરી છે.મૌન ત્યારે સુંદર છે જ્યારે તે અહંકાર નહીં પરંતુ સમજણમાંથી જન્મે અને શબ્દો ત્યારે સુંદર છે જ્યારે તે કોઈને હરાવવા નહીં પરંતુ કોઈને સમજવા માટે બોલાય. જીવનની પરિપક્વતા કદાચ એ જ છે કે ક્યારે બોલવું અને ક્યારે ચૂપ રહેવું તેની સમજણ આવી જાય.
બાળપણ આપણને બોલતા શીખવે છે, યુવાની આપણને પોતાની વાત સાબિત કરવાનું શીખવે છે અને અનુભવ આપણને શીખવે છે કે દરેક વાત સાબિત કરવાની જરૂર નથી. કેટલાક લોકોને આપણું મૌન સમજાશે. કેટલાકને નહીં સમજાય. પરંતુ જે આપણને ખરેખર ઓળખે છે તેને આપણા દરેક શબ્દની જરૂર પડતી નથી. તે આપણા ચહેરા પરથી પણ મનની વાત વાંચી શકે છે. એટલે જીવનમાં એવા લોકો શોધો જે તમારા શબ્દો જ નહીં, તમારી શાંતિ પણ સમજી શકે. એવા
લોકો બહુ ઓછા હોય છે અને કદાચ એ જ લોકો આપણા જીવનની સાચી સંપત્તિ હોય છે. કારણ કે દુનિયા આપણને શું કહેવું તે શીખવે છે, પરંતુ જીવન આપણને ધીમે ધીમે શીખવે છે કે શું ન કહેવું. દુનિયા અવાજથી ભરેલી છે. દરેક પાસે પોતાનું કહેવાનું છે. પરંતુ જે વ્યક્તિ બીજાના મૌનમાં રહેલો સંદેશ વાંચી શકે છે, તે જ સાચા અર્થમાં સંવેદનશીલ છે.
કોઈની આંખોમાં ઉદાસી દેખાય ત્યારે “શું થયું?” પૂછવા કરતાં તેની પાસે થોડો સમય બેસી રહેવું ક્યારેક વધુ અસરકારક હોય છે. કોઈ વ્યક્તિ ચૂપ હોય ત્યારે તેને તરત સલાહ આપવાને બદલે તેને સાંભળવું ક્યારેક વધુ જરૂરી હોય છે. અને કોઈ વ્યક્તિ દૂર થતો લાગે ત્યારે તેને દોષ આપવાને બદલે એકવાર વિચારવું જોઈએ કે કદાચ આપણે જ તેને સમજવામાં ક્યાંક ઓછા પડ્યા હોઈએ.
માણસના શબ્દો સાંભળવા માટે કાન જોઈએ, પરંતુ માણસનું મૌન સાંભળવા માટે હૃદય જોઈએ.આપણે કાનથી સાંભળતા તો શીખ્યા છીએ, હવે હૃદયથી સાંભળવાનું શીખવું છે. કારણ કે મૌનમાં દબાયેલો જવાબ દરેકને સંભળાતો નથી,શાંતિમાં છુપાયેલો અવાજ દરેકને સંભળાતો નથી; પરંતુ જે વ્યક્તિને માણસ નહીં, માણસનું મન વાંચતા આવડે છે તેને શબ્દોની જરૂર જ પડતી નથી. ક્યારેક ચૂપ રહેનાર માણસ પાસે કહેવા માટે સૌથી વધુ હોય છે. ક્યારેક શાંત દેખાતી વ્યક્તિની અંદર સૌથી મોટું તોફાન હોય છે.અને ક્યારેક એક નાનું સ્મિત અનેક આંસુઓને છુપાવતું હોય છે.
આથી, કોઈના મૌનને નબળાઈ ન માનીએ.કોઈની શાંતિને ઉદાસીનતા ન માનીએ.અને કોઈના ઓછા શબ્દોને ઓછા ભાવ ન ગણીએ. કદાચ તેની અંદર એક આખી વાર્તા છે,ફક્ત તેને વાંચવા માટે થોડું મૌન અને થોડું હૃદય જોઈએ.
‘‘મૌનમાં દબાયેલો જવાબ અને શાંતિમાં છુપાયેલો અવાજ બહુ જ
ઓછા લોકોને સંભળાય છે…”








































