લીલીયામોટા વિસ્તારમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે આ તાલુકાના અનેક ગામોમાં ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે. આ અંગે નાના લીલીયા તાલુકા પંચાયતના સદસ્ય રાણજીતભાઈ ખૂમાણે સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાને પત્ર પાઠવી લેખિત રજૂઆત કરી છે. તેમણે રજૂઆતમાં જણાવ્યું છે કે, નાના લીલીયા, લોકી, વાઘણીયા, પીપળવા સહિતના ગામોમાં ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે. અનેક ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતાં ખેતીને ભારે અસર પહોંચી છે. તેથી તાત્કાલિક સર્વે કરીને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર અને આર્થિક સહાય આપવામાં આવે તેવી માંગ છે. આ ઉપરાંત શેલ નદીમાંથી નાના લીલીયા તરફ આવતી ભાંભળી નદીમાં વરસાદમાં વારંવાર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, જેથી ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સમસ્યાના કાયમી નિરાકરણ માટે ભાંભળી નદીને ઉંડી ઉતારવા અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા અને ડ્રેનેજ સિસ્ટમ ઉભી કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે.








































