યાત્રાધામ અંબાજી ખાતે સનાતન ધર્મ અને ધાર્મિક સ્થળોના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન તેમજ વડોદરાના મહામંડલેશ્વર સંત ડા. જ્યોતિનાથજીના વડપણ હેઠળ ‘સનાતન ધર્મ સંસદ’નું આયોજન કરવામાં આવ્યું હતું. અંબાજીના ગણેશ ભવન ખાતે યોજાયેલી આ બેઠકમાં ગબ્બર પર ધજારોહણના ૨૧૦૦ ફરજિયાત ચાર્જ અને યજ્ઞશાળાના ફી વધારા જેવા મુદ્દાઓ સામે ભારે વિરોધ નોંધાવી મંદિર ટ્રસ્ટને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જાકે, વિરોધ વચ્ચે અંબાજી મંદિર ટ્રસ્ટે મોટો ખુલાસો કરતા સ્પષ્ટતા કરી છે કે આ ચાર્જ કોઈ માટે ફરજિયાત નથી, પરંતુ મરજિયાત છે.ગુજરાતના સરકારી હસ્તકના ધાર્મિક સ્થળોના પ્રશ્નો, સનાતન પરંપરાના સંવર્ધન અને બ્રાહ્મણ રક્ષણના હેતુથી અંબાજી ખાતેથી આ કાર્યક્રમનો પ્રારંભ કરાયો છે. વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનના અધ્યક્ષ હેમાંગ રાવલ અને સંત ડા. જ્યોતિનાથજીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં સાધુ-સંતો અને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ધર્મ સંસદ દ્વારા મંદિર ટ્રસ્ટને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં ગબ્બર ઉપર ધજારોહણનું વ્યાપારીકરણ અટકાવવા, યજ્ઞશાળાના ચાર્જમાં કરાયેલો વધારો પાછો ખેંચવા અને ગબ્બર પર સ્થિત ૫૧ શક્તિપીઠ મંદિરોમાં ફરીથી થાળ ધરાવવાની સેવા શરૂ કરવાની મુખ્ય માંગણીઓ કરવામાં આવી છે. વધુમાં, જા ૫૧ શક્તિપીઠોમાં થાળ ધરાવવાનું શરૂ નહીં કરાય, તો આગામી ભાદરવી પૂનમના મહામેળામાં સનાતન ધર્મ સંસદના સભ્યો અને બ્રાહ્મણો દ્વારા ‘ભીખ માંગવાનો’ અનોખો વિરોધ કાર્યક્રમ યોજવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
બીજી તરફ, ધજારોહણના વ્યાપારીકરણ અને ચાર્જ અંગે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના અધિક કલેક્ટર દ્વારા Âસ્થતિ સ્પષ્ટ કરવામાં આવી છે. તેમણે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, ગબ્બર ખાતે ૨૧૦૦નો ચાર્જ ફરજિયાત હોવાની વાત માત્ર એક અફવા છે. જે યાત્રાળુઓની ઈચ્છા હોય તે જ આ સેવા પસંદ કરી શકે છે. આ ૨૧૦૦ના પેકેજમાં વિદ્વાન પંડિતો દ્વારા વિધિવત પૂજન, ધજા, ઢોલ-નગારા સાથે સામૈયું અને યાદગાર ક્ષણો માટે નિઃશુલ્ક ફોટોગ્રાફી જેવી તમામ સુવિધાઓ સામેલ કરવામાં આવી છે.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અગાઉ શ્રદ્ધાળુઓ બહારથી ખાનગી ઢોલવાળા કે ફોટોગ્રાફરો લાવતા ત્યારે તેમની પાસેથી ૨,૦૦૦થી ૩,૦૦૦ સુધીની રકમ વસૂલીને લૂંટ ચલાવવામાં આવતી હતી. શ્રદ્ધાળુઓને આર્થિક શોષણથી બચાવવા માટે ટ્રસ્ટ દ્વારા આ સુવ્યવસ્થિત સેવા શરૂ કરવામાં આવી છે, જે સંપૂર્ણપણે મરજિયાત છે અને કોઈ પણ ભક્ત પોતાની રીતે પણ ધજા ચઢાવી શકે છે.