બગસરામાં સવાર દરમિયાન ખેડૂત શૈલેષભાઈ કટેશીયા પોતાના ખેતરે કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ભૂંડના ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો. હુમલાના કારણે ખેડૂતને ઈજા પહોંચી હતી. બૂમાબૂમ સાંભળી આસપાસના ખેડૂતો દોડી આવ્યા હતા અને ભારે મહેનત બાદ ભૂંડના ટોળાને ભગાડી ખેડૂતને બચાવ્યા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત ખેડૂતને સારવાર માટે બગસરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી. સારવાર બાદ શૈલેષભાઈ સહિત અન્ય ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે વિસ્તારમાં ભૂંડનો ત્રાસ સતત વધી રહ્યો છે. ભૂંડના ટોળા ખેતરોમાં ઘુસી પાકને ભારે નુકસાન પહોંચાડે છે અને હવે ખેડૂતો પર પણ હુમલા કરવા લાગ્યા છે. જેના કારણે ખેતી કરવી જોખમી બની રહી છે. ખેડૂતોને સુરક્ષા મળે અને ભૂંડના ત્રાસમાંથી કાયમી રાહત મળે તે માટે તાત્કાલિક અસરકારક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.