બગસરાના સરકારી દવાખાનામાં આખરે ડાયાલીસીસ સેન્ટરના લોકાર્પણની તારીખ જાહેર કરવામાં આવી છે. સરકારી દવાખાનુ અત્યાધુનિક બન્યા બાદ ડાયાલીસીસ સેન્ટર બનાવવાની વાતો કરવામાં આવી હતી જા કે લોકોની વારંવાર રજૂઆતને કારણે હવે આગામી તા.ર૮ને મંગળવારે ડાયાલીસીસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવશે. બગસરામાં જૂન-ર૦રપમાં અત્યાધુનિક સુવિધા સાથે નવા સરકારી દવાખાનાનું લોકાર્પણ તત્કાલિકન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યુ હતુ ત્યારે તેમણે થોડા મહિનાઓમાં જ ડાયાલીસીસ સેન્ટર ચાલુ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. જો કે એક વર્ષ થયા બાદ પણ ડાયાલીસીસ સેન્ટર શરૂ ન થતા દર્દીઓને ડાયાલીસીસ કરાવવા માટે અન્ય શહેરોમાં જવુ પડતુ હતુ. આ બાબતે આરોગ્ય મંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી જા કે અખબારી અહેવાલ અને દર્દીઓની મુશ્કેલીને ધ્યાને લઈ રાજય સરકાર દ્વારા તાત્કાલિક મશીનરી અને ડાયાલીસીસ ટેકનિશિયનની નિમણૂંક કરવામાં આવી છે અને આગામી મંગળવારના રોજ સવારના ૧૦ કલાકે ડાયાલીસીસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં
આવશે તેવી જાહેરાત કરવામાં આવતા દર્દીઓ માટે ડાયાલીસીસ કરાવવા માટે અન્ય શહેરોમાં જવાની જરૂર નહી પડે તેથી દર્દીઓ માટે પણ રાહત થઈ છે.







































