ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્કવાડ (એટીએસ)) દ્વારા પકડવામાં આવેલા શંકાસ્પદ આતંકવાદીઓના કેસમાં એક મહત્વપૂર્ણ અને મોટી કાનૂની કાર્યવાહી સામે આવી છે. એટીએસ દ્વારા પકડાયેલા ૧૦ શંકાસ્પદ આરોપીઓના પોલીસ રિમાન્ડ સમયગાળો પૂર્ણ થતાં આજે તેમને કડીની નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તમામ આરોપીઓને અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ (સેન્ટ્રલ જેલ) ખાતે મોકલી આપવાનો હુકમ કર્યો છે. આ સાથે જ આ કડી-મહેસાણા કેસ સંબંધિત અગાઉ અને બાદમાં પકડાયેલા કુલ ૧૩ શંકાસ્પદ આરોપીઓને હવે સાબરમતી મધ્યસ્થ જેલમાં જજ્યુડિશિયલ કસ્ટડી હેઠળ રાખવામાં આવશે.ગુજરાત એટીએસ દ્વારા રાજ્યમાં દેશવિરોધી પ્રવૃત્તિઓ અને શંકાસ્પદ આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કરવાના ભાગરૂપે હાથ ધરવામાં આવેલા ખાસ ઓપરેશન દરમિયાન કડી અને મહેસાણા પંથકમાંથી શંકાસ્પદ આતંકવાદીઓની અટકાયત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસ અને તપાસ એજન્સીઓ દ્વારા તબક્કાવાર આરોપીઓની ધરપકડ કરીને કોર્ટ સમક્ષ રજૂ કરી ઊંડાણપૂર્વકની પૂછપરછ માટે રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.
પ્રાથમિક તબક્કે આ કેસમાં પકડાયેલા ૮ શખ્સોમાંથી ૫ આરોપીઓને વધુ પૂછપરછ માટે પોલીસ રિમાન્ડ પર સોંપવામાં આવ્યા હતા, જ્યારે ૩ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ પૂર્ણ થતાં તેમને મહેસાણા સબજેલ ખાતે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ તપાસનો દોર વધુ આગળ ધપતાં અન્ય ૫ શંકાસ્પદ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી અને તેમને પણ કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ પર લેવાયા હતા.આમ, બે અલગ-અલગ તબક્કામાં રિમાન્ડ પર લેવાયેલા કુલ ૧૦ આરોપીઓની રિમાન્ડ મુદત આજે પૂર્ણ થતી હતી. રિમાન્ડ સમયગાળો પૂર્ણ થતાં જ તપાસ અધિકારીઓ દ્વારા આજે તમામ ૧૦ શંકાસ્પદ આરોપીઓને કડી કોર્ટમાં સુરક્ષાના કડક બંદોબસ્ત વચ્ચે રજૂ કરવામાં આવ્યા હતા.કડી કોર્ટમાં યોજાયેલી કાનૂની કાર્યવાહી દરમિયાન સરકારી પક્ષ દ્વારા આરોપીઓના વધુ પોલીસ રિમાન્ડની માંગણી કરવામાં આવી નહોતી. તપાસ દરમિયાન જરૂરી કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન પૂર્ણ થઈ ગયું હોવાથી તથા વધુ રિમાન્ડની જરૂરિયાત ન હોવાથી, સરકારી વકીલ પી. આર. દંતાણી (આસિસ્ટન્ટ પÂબ્લક પ્રોસિક્્યુટર) ની રજૂઆતો ધ્યાને લઈ નામદાર કડી કોર્ટે તમામ ૧૦ આરોપીઓને અમદાવાદ Âસ્થત સાબરમતી મધ્યસ્થ જેલ (સાબરમતી સેન્ટ્રલ જેલ) ખાતે મોકલી આપવાનો આદેશ કર્યો હતો.
આ સિવાય, અગાઉ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ મહેસાણા સબજેલ ખાતે રાખવામાં આવેલા ૩ આરોપીઓને પણ મહેસાણાથી રીફર કરીને અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આમ, હવે આ સમગ્ર કેસમાં પકડાયેલા તમામ ૧૩ શંકાસ્પદ આરોપીઓને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ રાખવામાં આવશે.
કેસ અંગે મીડિયાને માહિતી આપતાં આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યૂટર (સરકારી વકીલ) પી. આર. દંતાણીએ જણાવ્યું હતું કેઃ ” તારીખ ૧૬/૦૭/૨૦૨૬ અને ૧૭/૦૭/૨૦૨૬ ના રોજ જે ૫ અને ૫ બીજા દિવસે એમ કુલ ૧૦ આરોપીઓના રિમાન્ડ હતા તે આજ રોજ પૂરા થયેલા છે. તેઓને કસ્ટડી સારું વધુ રિમાન્ડની કોઈ માંગણી કરેલ ન હોય કસ્ટડી સારું મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપેલ છે. અગાઉ જે ૩ સભ્યોને મહેસાણા ખાતે મોકલ્યા હતા તેમને રિફર કરીને મધ્યસ્થ જેલમાં મોકલી આપેલ છે. હવે તમામ ૧૩ શંકાસ્પદ આરોપીઓને અમદાવાદ મધ્યસ્થ જેલમાં રાખવામાં આવશે.”
શંકાસ્પદ આતંકવાદીઓનો આ કેસ અત્યંત સંવેદનશીલ હોવાથી કડી કોર્ટ પરિસરમાં અને સમગ્ર ટ્રાન્સપોર્ટેશન દરમિયાન મહેસાણા પોલીસ તથા સુરક્ષા એજન્સીઓ દ્વારા અભેદ્ય કમાન્ડો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોઈ અણબનાવ ન બને તે માટે કડી કોર્ટથી લઈને અમદાવાદ સાબરમતી જેલ સુધી પોલીસના કાફલા સાથે તમામ આરોપીઓને સુરક્ષિત રીતે જેલભેગા કરવામાં આવ્યા હતા. ગુજરાત એટીએસ દ્વારા આ આરોપીઓ પાસેથી મળેલી મહત્વની વિગતો અને પુરાવાઓના આધારે આગળની તપાસ ચાલુ રાખવામાં આવી છે.