અમરેલી જિલ્લામાં સાયબર ફ્રોડનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. બાબરાના ચમારડી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા હેલ્થ સુપરવાઈઝરને બેંક કર્મચારીની ખોટી ઓળખ આપીને રૂ. ૪,૪૯,૦૦૦ની મોટી ઠગાઈ આચરવામાં આવી હતી.
આ અંગે વલારડી ગામે રહેતા નિલેશભાઈ લાભુભાઈ ગોલ (ઉ.વ.૫૭)એ અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ આરોપીએ પોતાના મોબાઈલ નંબર પરથી તેમનો સંપર્ક કર્યો હતો અને પોતે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો કર્મચારી હોવાની ઓળખ આપી તેમને વિશ્વાસમાં લીધા હતા.
આરોપીએ ફરિયાદીના વોટ્સએપ પર એક શંકાસ્પદ ‘APK File’ મોકલી હતી અને ત્યારબાદ તેમની પાસે વોટ્સએપ સ્ક્રીન શેર કરાવી લીધી હતી. સ્ક્રીન શેર થતાં જ આરોપીએ તેમના સમગ્ર મોબાઈલનો એક્સેસ પોતાના હાથમાં લઈ લીધો હતો. તેમની જાણ બહાર ફોનમાં આવેલા્ઁ મેળવીને આરોપીએ તેમના બેંક ખાતામાંથી કટકે-કટકે કુલ રૂ. ૪,૪૯,૦૦૦ની રકમ પોતાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધી હતી. ખાતામાંથી નાણાં ઉપડી ગયાનો મેસેજ આવતાં જ તેમને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. બાબરા પોલીસ સ્ટેશનના પીઆઈ આર. આર. પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.








































