ધારી ગીર પૂર્વ ડિવિઝનની ખાંભા-તુલસીશ્યામ રેન્જ હેઠળના રબારીકા રાઉન્ડ વિસ્તારમાંથી એક સિંહનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પથ્થરમાળા રેવન્યુ વિસ્તારમાં સ્થાનિક માલધારીએ સિંહનો મૃતદેહ જોતાં જ તાત્કાલિક વનવિભાગને જાણ કરી હતી, જેના પગલે વનવિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.વનવિભાગ દ્વારા સિંહના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. ધારી ગીર પૂર્વના ડી.સી.એફ. વિકાસ યાદવના જણાવ્યા અનુસાર, મૃત સિંહની ઉંમર આશરે ૧૫ વર્ષની હતી અને તેનું મોત વૃધ્ધાવસ્થાના કારણે કુદરતી રીતે થયું છે. સિંહના તમામ અંગો અકબંધ મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે મહિનામાં જ અમરેલી જિલ્લામાં કુલ ૬ સિંહોના મોત થતાં વન્યજીવ પ્રેમીઓમાં ચિંતાની લાગણી ફેલાઈ છે.