ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચે કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા ગામમાં જાહેર જગ્યાએ ચાલતા જુગારધામ પર સફળ દરોડો પાડી પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે. જુનાગઢ રેન્જના ડીઆઇજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. એલસીબીને મળેલી ગુપ્ત બાતમીના આધારે ઇન્ચાર્જ પીઆઇ ડી.એમ. કાગડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે મૂળ દ્વારકાના દરિયા કિનારા નજીક જેટી વિસ્તાર અને મેઇન રોડ પાસે દરોડો પાડ્યો હતો. ત્યાં જાહેરમાં જુગાર રમતા પાંચ વ્યક્તિઓને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. તમામ આરોપીઓ માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. ૪૧,૨૦૦ની રોકડ રકમ તેમજ જુગાર રમવા માટે વપરાતું સાહિત્ય જપ્ત કર્યું હતું.










































