આગામી અષાઢી બીજ અને રથયાત્રાના તહેવારોને ધ્યાનમાં રાખી ધારી એએસપી જયવીર ગઢવીએ ધારી, બગસરા, ખાંભા અને ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારના ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોને કડક ચેતવણી આપી છે. આ તમામ લોકોને ધારી સ્થિત એએસપી કચેરી ખાતે હાજર રાખી કાયદાનું પાલન કરવા અને શાંતિ જાળવવા સૂચના આપવામાં આવી હતી. પોલીસ દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે હાલમાં કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકો સાવચેત રહે. રથયાત્રા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.








































