બગસરા શહેર ભાજપના પૂર્વ મહામંત્રી નિતેષભાઈ આર. ડોડિયાએ બગસરા શહેર માટે અત્યંત મહત્વના મુંજીયાસર ડેમના રીનોવેશન અને આધુનિકીકરણ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે. વર્ષ ૧૯૫૪માં નિર્માણ પામેલો એશિયાનો પ્રથમ કાચી માટીનો આ ડેમ આજે પણ બગસરાની આશરે ૪૫ હજાર જનતાને પીવાના પાણીની સુવિધા પુરી પાડે છે તેમજ અનેક ગામોના ખેડૂતોને સિંચાઈનો લાભ આપે છે. રજૂઆતમાં જણાવાયું છે કે ડેમની અવધિ પૂર્ણતાના આરે હોવાથી તેની સલામતી અને મજબુતી જાળવવી ખુબ જરૂરી બની છે. ડેમમાં ગેબીયન પીચિંગ અને પથ્થરનું કામ કરીને વહેલી તકે રીનોવેશન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ રજૂઆતમાં નગરપાલિકા પ્રમુખ નીરવભાઈ ગોંડલીયા અને ધારાસભ્ય જે.વી. કાકડીયા પણ જોડાયા હતા. જળ સંસાધન મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયાને પણ જાણ કરવામાં આવી છે.







































