અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નાની ધારી ગામ પાસે પ્રેમ લગ્નના મનદુઃખમાં એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે. પોલીસ ફરિયાદ અનુસાર, મૃતક જયરાજભાઈ ઉર્ફે લાલાભાઈ ધાખડાએ છ મહિના પહેલા સુર્મિલાબેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, જે અગાઉ આરોપી મયુરભાઈ વલકુભાઈ વરુ સાથે સગાઈ સંબંધથી જોડાયેલા હતા. ગતરોજ બપોરે જયરાજભાઈ અને તેમના ભત્રીજા શક્તિરાજભાઈ બાઇક પર નાની ધારી ગામ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ગોવિંદભાઈ માંગરોળિયાની વાડી નજીક આરોપી મયુર વરુ અને અન્ય ત્રણ અજાણ્યા ઈસમોએ સ્વિફ્‌ટ કાર વડે બાઇકને પાછળથી ટક્કર મારી તેમને પાડી દીધા હતા. ત્યારબાદ કારમાંથી ઉતરીને આરોપીઓએ તલવાર, લોખંડની પાઇપ અને કુહાડી વડે જયરાજભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર ઈજાઓ થતાં જયરાજભાઈનું મોત નીપજ્યું છે, જ્યારે વચ્ચે પડેલા શક્તિરાજભાઈને હાથમાં પાઇપ વાગતા સારવાર હેઠળ ખસેડાયા છે. ખાંભા પોલીસે આ મામલે મયુર વરુ સહિત ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.