રાજ્યમાં સાયબર ક્રાઈમના ગુનાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભેજાબાજ ગઠિયાઓએ મોબાઈલ ફોન હેક કરીને, ઓટીપી વગર જ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાંથી કટકે-કટકે કુલ રૂ. ૩,૧૯,૦૦૦ ઉપાડી લીધા હતા. આ સાયબર ફ્રોડમાં ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મહારાષ્ટ્રના અલગ-અલગ બેંક ખાતાધારકોની સંડોવણી બહાર આવી છે.બનાવ સંદર્ભે હાલ રાજુલામાં રહેતા મૂળ સુરતના મેહુલકુમાર ગોવર્ધનભાઇ સરધારા (ઉ.વ.૪૦)એ અજાણ્યા ઈસમો સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના બેંક ખાતાને સાયબર ગુનેગારોએ નિશાન બનાવ્યું હતું. આરોપીઓએ કોઈ અજ્ઞાત ઈલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરીને ફરિયાદીની જાણ બહાર તેમનો મોબાઈલ ફોન હેક કરી લીધો હતો. ત્યારબાદ બેંક ટ્રાન્ઝેક્શન માટે જરૂરી એવા ઓટીપી વગર જ ખાતામાંથી રૂ. ૩,૧૯,૦૦૦ ટ્રાન્સફર કરી લીધા હતા. આ રૂપિયા દેશના જુદા-જુદા રાજ્યોમાં આવેલા ૬ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા હતા. રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ વી. એમ. કાલોદરા વધુ તપાસ કરી રહ્યા છે.







































