સાવરકુંડલાના મહુવા રોડ પર ગિરધરવાવ નજીક ચાલી રહેલા રેલવે ઓવરબ્રિજના કામમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આશરે રૂ. ૫૪ કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામી રહેલા આ ઓવરબ્રિજનું કામ મેસર્સ બેકબોન કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ, રાજકોટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. રજૂઆત મુજબ કામમાં નબળી ગુણવત્તાના મટિરિયલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેમજ અનેક તકનિકી ધોરણોની અવગણના કરવામાં આવી હોવાનું જણાવાયું છે. આક્ષેપો અનુસાર ફાઉન્ડેશન, કોંક્રિટ, ક્યોરિંગ, રોડ વર્ક અને અન્ય બાંધકામ કાર્યોમાં જરૂરી માપદંડો જાળવવામાં આવ્યા નથી. કામની દેખરેખ માટે જવાબદાર અધિકારીઓ અને કન્સલ્ટન્ટ એજન્સી દ્વારા પણ પૂરતું સુપરવિઝન કરવામાં આવતું ન હોવાનું જણાવાયું છે. હાલમાં કામ ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાનું અને નિર્ધારિત સમયમર્યાદા નજીક હોવા છતાં પ્રોજેક્ટ અડધો પણ પૂર્ણ ન થયો હોવાનું જણાવવામાં આવ્યું છે. શહેર ભાજપના પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલે રાજ્ય સરકાર અને સંબંધિત વિભાગોમાં લેખિત રજૂઆત કરી કામની ઉચ્ચસ્તરીય તપાસ કરવાની માંગ કરી છે. તેમણે નબળું કામ તાત્કાલિક બંધ કરાવી જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવા તેમજ જરૂરી નાણાકીય રિકવરી કરવા માંગ ઉઠાવી છે. તેમણે ચેતવણી આપી છે કે જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ભવિષ્યમાં ગંભીર અકસ્માત અને જાનહાનિનું જોખમ ઊભું થઈ શકે છે.








































