બગસરા ખાતે ખોડલધામના ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ગોકુલ પરા વિસ્તારમાં આવેલ પટેલ વાડી ખાતે યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમાજસેવાના ઉદ્દેશ સાથે યોજાયેલા આ કેમ્પમાં યુવાઓ, વડીલો તેમજ મહિલાઓએ પણ રક્તદાન માટે ઉમટી પડ્યા હતા. કેમ્પ દરમિયાન કુલ ૪૪ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. રક્તદાન કરનાર દાતાઓને આયોજકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં પટેલ સમાજના આગેવાનો, કાર્યકરો અને ખોડલધામ સાથે જોડાયેલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન જેવા માનવતાભર્યા કાર્યથી જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન મળી શકે છે તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન માટે આયોજકોએ તમામ રક્તદાતાઓ અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.










































