બાબરા ગામની સીમમાં વાડીએ આવવા-જવાના રસ્તા મુદ્દે કુટુંબીજનો વચ્ચે માથાકૂટ થઈ હતી, જેમાં એક વ્યક્તિના માથામાં દાતરડું મારવામાં આવ્યું હતું. આ બનાવ અંગે પ્રકાશભાઇ કરમશીભાઇ નારોલાએ (ઉ.વ.૪૦) ધીરૂભાઇ બચુભાઇ નારોલા, ભીમજીભાઇ બચુભાઇ નારોલા, વિજયભાઇ ભીમજીભાઇ નારોલા તથા જયેશભાઇ ભીમજીભાઇ નારોલા સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ, તેઓ તથા સાક્ષીઓ પોતાની વાડીએ હતા તે દરમિયાન ધીરૂભાઈ નારોલાએ તેમને વાડીએ જવા-આવવાનો રસ્તો બગાડી નાખવાનું કહીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. આ ઉપરાંત અન્ય આરોપીઓએ પણ ગાળો ભાંડી હતી. તે દરમિયાન ભીમજીભાઈ નારોલાએ પ્રકાશભાઈના માથામાં દાતરડું મારી દીધું હતું, જેના કારણે તેમને ત્રણ ટાંકા આવ્યા હતા. આ સાથે જ આરોપીઓએ તેમને તથા સાક્ષી કરમશીભાઇને લોખંડના પાઇપના ઘા મારીને મૂંઢ ઇજાઓ પહોંચાડી હતી. આ મામલે બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ બી. સિંધવ વધુ તપાસ કરી રહ્યા છે.