વડોદરા શહેરના વાડી-બરાનપુરા વિસ્તારમાં ધાર્મિક વિધિના બહાને બ્યુટી પાર્લર સંચાલિકાને ભોળવી સોનાનું મંગળસૂત્ર અને રોકડ રકમ લઈને ફરાર થયેલી ગેંગની બે મહિલા આરોપીની શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી અંદાજે રૂ. ૮૩ હજારની કિંમતનું ૮.૬૬૦ ગ્રામ વજનનું સોનાનું મંગળસૂત્ર કબજે કરવામાં આવ્યું છે. જ્યારે ગેંગની વધુ એક મહિલા આરોપી હજુ ફરાર છે, જેને શોધવા માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે.
વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ત્રણ મહિલાઓએ બ્યુટી પાર્લર સંચાલિકાને ધાર્મિક વિધિ કરાવવાના બહાને વિશ્વાસમાં લીધી હતી. ફરિયાદ અનુસાર, મહિલાને ગળામાંથી મંગળસૂત્ર ઉતારી પર્સમાં મૂકવા જણાવ્યું હતું અને વિધિ પૂર્ણ કરવા માટે આંખ બંધ કરીને ઊંધા ઊભા રહેવાનું કહ્યું હતું. આ દરમિયાન ત્રણેય મહિલાઓ પર્સ સાથે મંગળસૂત્ર અને રૂ. ૩,૫૦૦ની રોકડ રકમ લઈને ફરાર થઈ ગઈ હતી.
ઘટના બાદ વાડી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. બીજી તરફ શહેર ક્રાઇમ બ્રાન્ચ પણ આરોપીઓની શોધમાં લાગી હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે હરણી રોડના વિજયનગર નાકા પાસેથી મીનાબેન મહેન્દ્ર વાદી (રહે. બહિયલ, દહેગામ) અને દક્ષાબેન દીપકભાઈ સલાટ (રહે. સુભાષનગર, અમદાવાદ)ને ઝડપી લેવામાં આવ્યા હતા.
મહિલા પોલીસ દ્વારા તપાસ દરમિયાન બંને આરોપી પાસેથી એક સોનાનું મંગળસૂત્ર મળી આવ્યું હતું. તેની માલિકી અંગે સંતોષકારક પુરાવા રજૂ કરી શક્યા નહોતા. પૂછપરછમાં બંનેએ અન્ય એક મહિલા સાગરીત સાથે મળીને વાડી વિસ્તારમાં આ ઠગાઈ આચરી હોવાની કબૂલાત કરી હતી.
ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં વધુ એક મહત્વની માહિતી સામે આવી છે. મુખ્ય આરોપી મીના વાદી સામે ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ઠગાઈ, ચોરી અને વિશ્વાસઘાત સહિત કુલ ૧૧ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ બંને મહિલા આરોપીઓને આગળની તપાસ માટે વાડી પોલીસને સોંપવામાં આવી છે. હાલમાં ફરાર ત્રીજી મહિલા આરોપીની શોધખોળ ચાલુ છે અને સમગ્ર ગેંગના અન્ય ગુનાઓ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.