વડોદરાની રાજકીય રીતે મહત્વપૂર્ણ ગણાતી માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા શરૂ કરી છે. પક્ષ દ્વારા વડોદરામાં સેન્સ (અભિપ્રાય) પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્થાનિક કાર્યકરો, હોદ્દેદારો અને ટિકિટના દાવેદારો પાસેથી અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે.પરંપરાગત રીતે ભાજપનો મજબૂત ગઢ માનાતી આ બેઠક માટે અનેક આગેવાનોએ પોતાની દાવેદારી નોંધાવતા રાજકીય માહોલ ગરમાયો છે.
ઉમેદવાર પસંદગીની પ્રક્રિયાને પારદર્શક અને સંગઠન આધારિત બનાવવા માટે ભાજપ હાઈકમાન્ડે ત્રણ સભ્યોની નિરીક્ષક પેનલની નિમણૂક કરી છે. પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી, કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત અને પ્રદેશના અગ્રણી નેતા સીતાબેન નાયક વડોદરા પહોંચીને સેન્સ પ્રક્રિયાની દેખરેખ રાખી રહ્યા છે.નિરીક્ષકો સ્થાનિક સંગઠનના હોદ્દેદારો, વિવિધ મોરચાના પ્રતિનિધિઓ અને દાવેદારો સાથે બેઠક કરીને તેમનો અભિપ્રાય મેળવી રહ્યા છે. આ પ્રક્રિયા બાદ તૈયાર થનારો અહેવાલ પ્રદેશ નેતૃત્વને મોકલવામાં આવશે.
માંજલપુર બેઠક માટે અનેક સ્થાનિક નેતાઓએ ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. મહિલા મોરચાના શહેર પ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર સ્નેહલ પટેલે નિરીક્ષકો સમક્ષ પોતાની દાવેદારી રજૂ કરી હતી.તે ઉપરાંત પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામ પટેલ તથા શહેર ભાજપના પૂર્વ મહામંત્રી જસવંતસિંહ સોલંકી સહિત અન્ય આગેવાનોએ પણ પક્ષ માટે કરેલા પોતાના યોગદાન અને સંગઠનના અનુભવના આધારે ટિકિટની માંગણી કરી છે.
માંજલપુર વિધાનસભા બેઠક લાંબા સમયથી ભાજપ માટે મજબૂત અને સુરક્ષિત બેઠક તરીકે ઓળખાય છે. આ કારણે ટિકિટ મેળવવા માટે સ્થાનિક નેતાઓ વચ્ચે ભારે સ્પર્ધા જાવા મળી રહી છે.સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકોનો અહેવાલ ભાજપના પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે. અંતિમ ઉમેદવારના નામ અંગેનો નિર્ણય પક્ષનું કેન્દ્રીય નેતૃત્વ કરશે.
હાલ અનેક પ્રભાવશાળી નામોની ચર્ચા ચાલી રહી છે. ખાસ કરીને મહિલા ઉમેદવારની દાવેદારીને લઈને પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. હવે આગામી દિવસોમાં ભાજપ કોને ઉમેદવાર તરીકે પસંદ કરે છે તેના પર સૌની નજર ટકેલી છે.







































