ગીર પંથકમાં લાંબા ઇંતજાર બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં કોડીનારમાં આજે ૪ ઇંચ વરસાદ નોંધાયો હતો. જોકે સીઝનના પ્રથમ જ સારા વરસાદે વીજ વિભાગની પ્રી-મોન્સૂન કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે. ગઈ રાત્રિથી શરૂ થયેલા વરસાદ દરમિયાન શહેર અને આસપાસના વિસ્તારોમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાયો હતો. અંદાજે ૨૦ કલાકમાં ટુકડે-ટુકડે પાંચથી છ કલાક સુધી વીજળી ગુલ રહેતા શહેરીજનો, વેપારીઓ અને વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સતત વીજળી આવતી-જતી રહેતાં વોલ્ટેજમાં વધઘટ સર્જાઈ હતી, જેના કારણે ટીવી, ફ્રિજ, કોમ્પ્યુટર અને અન્ય વીજ ઉપકરણોને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી. સ્થાનિકોએ વરસાદી મોસમ દરમિયાન સતત અને વિશ્વસનીય વીજ પુરવઠો જાળવવા તંત્ર તાત્કાલિક ખામીઓ દૂર કરી અસરકારક કામગીરી કરે તેવી માંગ કરી છે.











































