બગસરાના શાપર ગામની પરિણીતાને લગ્નજીવન દરમિયાન સંતાન ન થવા મુદ્દે પતિ દ્વારા મેણા-ટોણા મારી શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની ઘટના સામે આવી છે. આ અંગે પરિણીતાએ ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વડનગર ગામે રહેતા પતિ ગોપાલદાસ માધવદાસ મકવાણા સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, પરિણીતાના લગ્ન આજથી આશરે ૧૬ વર્ષ પહેલાં જ્ઞાતિના રીત-રિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ થોડો સમય સાસરિયામાં તેને સારી રીતે રાખવામાં આવી હતી. જો કે, ત્યારબાદ સંતાન ન થવાના લીધે પતિએ અવારનવાર મેણા-ટોણા મારવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત, પરિણીતાને શારીરિક તથા માનસિક દુઃખ-ત્રાસ આપી શરીરે આડેધડ માર મારવામાં આવ્યો હતો. આ મામલે બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ. એન. વાળા વધુ તપાસ ચલાવી રહ્યા છે.









































