ગીરગઢડા તાલુકાની નગડિયા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં નબળી ગુણવત્તાનું અનાજ પીરસાતું હોવાના આક્ષેપ બાદ ૪૯ વિદ્યાર્થીઓએ અભ્યાસનો બહિષ્કાર કર્યો છે. વાલીઓએ જવાબદારો સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી બાળકોને શાળાએ ન મોકલવાનો નિર્ણય લીધો છે. આજે શાળામાં એકપણ વિદ્યાર્થી હાજર રહ્યો ન હતો અને માત્ર શિક્ષકો ફરજ પર હાજર રહ્યા હતા. તાલુકા પંચાયતના મહિલા સદસ્યના પ્રતિનિધિ હરેશભાઈ બલદાણીયાએ જિલ્લા કક્ષાએ રજૂઆત કરી હતી. તેમણે પશુઓ પણ ન ખાય તેવું અનાજ આપવામાં આવતું હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ મધ્યાહન ભોજનના માસિક બિલમાંથી ૧૫ ટકા રકમ મામલતદાર કચેરીમાં લેવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. ભોજન સંચાલકે પણ આ દાવાને સમર્થન આપતા સમગ્ર મામલે તપાસ અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.









































