શહેરમાં વિવિધ સ્થળોએ બિલ્ડરો મોટી સ્કીમ ઊભી કરીને અનેક પ્રકારની ઓફર આપી રહ્યા છે, ત્યારે બિલ્ડરો દ્વારા આચરવામાં આવતી ઠગાઈનો એક કિસ્સો ઓઢવના સિંગરવામાં પ્રકાશમાં આવ્યો છે. કે.સી. ડેવલપર્સ દ્વારા સ્વસ્તીક હેરીટેજ નામની રહેણાક અને કોમર્શિયલ સ્કીમ ઊભી કરવામાં આવી હતી. ત્યારબાદ બિલ્ડરે એક જ મિલકત અનેક લોકોને વેચી દઈ રૂ. ૩,૦૦,૦૦,૦૦૦ની ઠગાઈ આચરવાના કૌભાંડનો પર્દાફાશ ઓઢવ પોલીસે કરી બંને બિલ્ડરની ધરપકડ કરી છે.
સ્વસ્તીક હેરીટેજ નામની સ્કીમ ઊભી કરીને રૂ. ૩,૦૦,૦૦,૦૦૦ ની ઠગાઈ આચરી ચૂકેલા બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે. વર્ષ ૨૦૨૪માં શહેરના સાયન્સ સિટી વિસ્તારમાં રહેતા અને એકાઉન્ટન્ટ તરીકે કામકાજ કરતા યોગેશ પટેલ ઓઢવના સિંગરવા ગામે આવેલી સ્વસ્તીક હેરીટેજ સ્કીમમાં રોકાણ કરવા માટે દુકાન અને ફ્લેટ જાવા ગયા હતા. ત્યાં કે.સી. ડેવલપર્સના ભાગીદાર અને બિલ્ડર કલ્પેશ ચૌહાણ તથા વિનય ચૌહાણ સાથે યોગેશભાઈની મુલાકાત થઈ હતી. બાદમાં ૫ દુકાન અને ૪ ફ્લેટ રૂ. ૧,૨૦,૦૦,૦૦૦ માં બિલ્ડરોએ ફરિયાદીને આપ્યા હતા અને વેચાણ કરેલી મિલકતના રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજા, અસલ પઝેશન લેટર અને પેમેન્ટ રસીદો આપી હતી. આ દરમિયાન યોગેશભાઈએ ખરીદેલી પ્રોપર્ટીમાંથી કેટલીક મિલકત બંને બિલ્ડરે અન્ય કોઈને ભાડે આપી દીધી હતી. ત્યારબાદ યોગેશભાઈએ સરકારી ગર્વી વેબસાઈટ પર તપાસ કરી હતી.
આ તપાસમાં બિલ્ડરોએ જે ફ્લેટ અને દુકાન યોગેશભાઈને વેચ્યા હતા, તે મિલકત અગાઉથી જ અન્ય ગ્રાહકોને બાનાખત અથવા વેચાણ દસ્તાવેજથી વેચી દીધી હોવાની વિગતો મળી હતી. ત્યારબાદ આ અંગે ફરિયાદ નોંધાતા ઓઢવ પોલીસની તપાસમાં ખૂલ્યું હતું કે બિલ્ડર કલ્પેશ ચૌહાણ અને વિનય ચૌહાણે ૯ મિલકત એક કરતાં વધુ વ્યક્તિઓને વેચી દીધી હતી અને અત્યાર સુધીમાં રૂ. ૩,૦૦,૦૦,૦૦૦ની ઠગાઈ આચરી ચૂક્યા હતા. આ મામલે ઓઢવ પોલીસે કલ્પેશ ચૌહાણ અને વિનય ચૌહાણની ધરપકડ કરીને અન્ય કેટલા લોકો સાથે આ પ્રકારે ઠગાઈ આચરી છે તથા હજુ બીજા કેટલા આરોપી આ કારસામાં સંડોવાયેલા છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.