અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે બેંગકોકથી આવેલી ફ્લાઇટમાંથી આવેલા એક પેસેન્જરની ટ્રોલી બેગમાંથી ૧૦.૯૧૧ કિલોગ્રામ (લગભગ ૧૧ કિલો) હાઇબ્રીડ ગાંજા ઝડપી લીધો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત ૧૧ કરોડ છે. કસ્ટમ વિભાગે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી પેસેન્જરની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આરોપી જૂનાગઢ જિલ્લાના માંગરોળનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ એરપોર્ટ પરથી અઢી વર્ષમાં કુલ ૧૦૦૦ કરોડનું ડ્રગ અને ગાંજા ઝડપાયો છે.
બેંગકોકથી અમદાવાદ આવેલી આઇજી-૩૪૬ ફ્લાઇટમાંથી ઉતરેલા પેસેન્જરની શંકાસ્પદ હિલચાલને પગલે એર ઈન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ તેની પૂછપરછ કરી હતી. સંતોષકારક જવાબ ન મળતાં ટ્રોલી બેગની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પ્લાસ્ટીકમાં કન્સીલ કરીને રાખેલા પાંચ પેકેટ મળી આવ્યા હતા, જેમાંથી કુલ ૧૦.૯૧૧ કિલોગ્રામ હાઇબ્રીડ ગાંજા મળી આવ્યો હતો. આ જથ્થો અમદાવાદમાં સપ્લાય કરવાનો હોવાનું ખૂલ્યું છે. જોકે પેસેન્જર ઝડપાઈ જતાં ડ્રગ્સની ડિલિવરી લેવા આવનાર વ્યÂક્ત ફરાર થઈ ગયો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
આ સમગ્ર કાર્યવાહી દરમિયાન કસ્ટમ વિભાગના માત્ર નવ મહિનાના નાર્કોટિક્સ ટ્રેનિંગ મેળવેલા નવા સ્નીફર ડોગે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અમૃતસરના અટારી વિસ્તારમાં ચાર મહિનાની ઉંમરે તેને નાર્કોટિક્સ શોધવાની વિશેષ તાલીમ આપવામાં આવી હતી. અમદાવાદ એરપોર્ટ પર ફરજ દરમિયાન જ તેણે પોતાના પ્રથમ જ નાર્કોટિક્સ કેસમાં સફળતા અપાવી છે.
બીજી તરફ, છેલ્લા અઢી વર્ષમાં અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે ૧૦૦૦ કરોડથી વધુનું ડ્રગ્સ જપ્ત કર્યું છે તેમ છતાં ડ્રગ્સના હવાલા મારફતે થતા નાણાકીય વ્યવહારો સામે પ્રમાણસર કાર્યવાહી થતી ન હોવાના આક્ષેપો ઊઠી રહ્યા છે. જાણકારોના મતે ડ્રગ્સના પેમેન્ટના ૫૦ ટકા જેટલા નાણાં પણ સીઝ કરવામાં સફળતા મળી નથી. કસ્ટમ વિભાગે છેલ્લા અઢી વર્ષમાં ડોમેસ્ટીક પેસેન્જરો પાસેથી ૧૦ કરોડથી વધુની વિદેશી કરન્સી પણ ઝડપી છે. તેમ છતાં એરપોર્ટ પર ઇન્કમટેક્સ વિભાગની ઓફિસ હોવા છતાં મોટી માત્રામાં ફોરેન કરન્સી બહાર જતી હોવાના મુદ્દે પણ અનેક સવાલો ઊભા થયા છે.
કસ્ટમ વિભાગની સતત સફળ કામગીરીની સામે ડીઆરઆઈ અને એનસીબી જેવી કેન્દ્રિય એજન્સીઓ ગુજરાતના એરપોર્ટ પર નાર્કોટિક્સની હેરાફેરી રોકવામાં અસરકારક રીતે સફળ રહી નથી તેવી ચર્ચાઓ ફરી તેજ બની છે.








































