વન વન્યજીવોની સુરક્ષા અને પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા સાસણ ગીર તેમજ ગિરનાર જંગલ સફારી આજ સાંજથી આગામી ચાર મહિના માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષની પરંપરા મુજબ હવે આગામી ૧૫ ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે સિંહ દર્શન સંપૂર્ણપણે બંધ રહેશે. ચોમાસાની ઋતુ દરમિયાન જંગલના કાચા રસ્તાઓ ધોવાઈ જવાની ભીતિ રહે છે અને વહેતી નદીઓમાં ઘોડાપૂર આવવાની સ્થિતિ સર્જાતી હોવાથી આ પગલું લેવાયું છે. આ ઉપરાંત ચોમાસાનો સમયગાળો વન્યજીવો માટે ખૂબ જ સંવેદનશીલ પ્રજનનકાળ હોય છે, જેમાં માનવીય ખલેલ અટકાવવી અનિવાર્ય છે. પ્રવાસીઓની વાહનોની અવરજવર અટકાવીને કુદરતી સંતુલન જાળવવાનો પ્રયાસ કરાયો છે. ૧૫ ઓક્ટોબરે ચોમાસું પૂર્ણ થયા બાદ માર્ગોની સ્થિતિ અને સુરક્ષાની સમીક્ષા કરીને સફારી પ્રવાસીઓ માટે ફરી ખુલ્લી મૂકવામાં આવશે.









































