આગામી ૨૧ જૂનના રોજ સમગ્ર અમરેલી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને યોજાયેલી આયોજન બેઠકમાં કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ અને વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે તમામ વિભાગોને સંકલન સાથે કામગીરી પૂર્ણ કરવા માર્ગદર્શન આપ્યું હતું. વર્ષ ૨૦૨૬ માટે “યોગ ફોર હેલ્ધી એજિંગ” થીમ હેઠળ યોગ દિનની ઉજવણી કરવામાં આવશે. યોગ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધે અને વધુમાં વધુ નાગરિકો યોગને પોતાની જીવનશૈલીનો ભાગ બનાવે તે હેતુથી જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. અમરેલીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે, જેમાં શૈક્ષણિક સંસ્થાઓ, ખાનગી સંસ્થાઓ, આરોગ્ય વિભાગ અને દિવ્યાંગજનો પણ ઉત્સાહપૂર્વક ભાગ લેશે. બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.